દેશની બેન્કો ફરી તંદૂરસ્ત : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ.3221 કરોડનો નફો કર્યો
- અગાઉના બે નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ વિવિાૃધ કારણોસર જંગી ખોટ દર્શાવી હતી
નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર
દેશની જાહેર ક્ષેત્રની બેન્કો ફરી નફો કરતી થઈ છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં જાહેર ક્ષેત્રની બેન્કોએ એકંદરે રૂપિયા ૩૨૨૧ કરોડનો નફો કર્યો છે એમ કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું.
૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ના નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ અનુક્રમે રૂપિયા ૧,૫૫,૬૦૩ કરોડ અને રૂપિયા ૧,૫૩,૮૭૧ કરોડની જંગી ખોટ કરી હતી. જો કે આજ ગાળામાં બેન્કોએ એનપીએ તથા અન્ય આકસ્મિકો માટે અનુક્રમે રૂપિયા ૨,૪૦,૯૭૩ કરોડ અને રૂપિયા ૨,૩૫,૬૨૩ કરોડની જોગવાઈ કરી હતી, એમ લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું.
આ જોગવાઈને કારણે બેન્કોએ નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ના નાણાં વર્ષમાં રૂપિયા ૮૫૩૭૦ કરોડ અને રૂપિયા ૮૧૭૫૨ કરોડની ખોટ કરી હતી.
જો કે વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦માં સ્થિતિ બદલાઈ છે અને બેન્કોએ રૂપિયા ૩૨૨૧ કરોડનો નફો હાંસલ કર્યો છે. જાહેર ક્ષેત્રની બેન્કોના વૈશ્વિક કામકાજ અંગે રિઝર્વ બેન્કના આંકડાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બેન્કોની એકંદર ગ્રોસ એડવાન્સિસ જે માર્ચ ૨૦૦૮ના અંતે રૂપિયા ૨૫.૦૩ લાખ કરોડ હતી તે ૩૧ માર્ચ ૨૦૧૪ના અંતે વધીને રૂપિયા ૬૮.૭૬ લાખ કરોડ પર પહોંચી હતી.
આરબીઆઈ પાસેથી પ્રાપ્ત માહિતી પરથી કહી શકાય છે કે, આક્રમક ધિરાણ પદ્ધતિ, વિલફૂલ ડિફોલ્ટ, લોન ફ્રોડસ તથા ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીને કારણે બેન્કોમાં એસેટસની તાણ વધી હતી.
ફ્રોડસમાં થયેલા વધારાને કારણે જાહેર તથા ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ખોટનું પ્રમાણ ઊંચુ રહે છે કે કેમ એવા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે ઉકત માહિતી આપી હતી. રિઝર્વ બેન્ક દ્વારા ૨૦૧૫માં શરૂ કરાયેલી એસેટ કવોલિટી રિવ્યુને કારણે નોન પરફોર્મિંગ એસેટસના ઊંચા આંકો બહાર આવ્યા હતા. બેન્કોમાં ગેરરીતિઓ અટકાવવા રિઝર્વ બેન્કે અનેક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.