Get The App

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો

- આયાત વધતા ઘરઆંગણે રૂના ભાવ દબાણ હેઠળ રહેવા વકી

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો 1 - image

મુંબઈ : રૂની ડયૂટી ફ્રી આયાત મંજુરી અપાયા બાદ ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશની રૂ આયાત વાર્ષિક ધોરણે ૧૫૫ ટકા વધી ૩૧ લાખ ગાંસડી રહી હતી. 

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) દ્વારા જારી કરાયેલા નિવેદન  પ્રમાણે,  નવી મોસમના પ્રથમ  ત્રણ મહિનામાં  ભારત દ્વારા આયાત વધતા રૂના વૈશ્વિક ભાવને ટેકો મળી રહેશે. વિશ્વમાં ભારત રૂનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. 

આયાતને કારણે ઘરઆંગણે રૂના ભાવમાં ઘટાડો થશે જે પાકમાં નુકસાનીને કારણે તાજેતરમાં ઊંચે ગયા હતા. 

ગયા વર્ષના અંતિમ ગાળામાં કેન્દ્ર સરકારે કપાસની આયાતને ૧૧ ટકા ડયૂટીમાંથી મુક્તિ આપવા નિર્ણય કર્યો હતો. 

૧લી ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૫-૨૬ની માર્કેટિંગ મોસમમાં દેશની કપાસ આયાત વાર્ષિક ધોરણે ૨૨ટકા વધી ૫૦ લાખ ગાંસડી રહેવા એસોસિએશને ધારણાં મૂકી છે. 

ગઈ માર્કેટિંગ મોસમમાં ભારતની રૂ આયાત ૪૧ લાખ ગાંસડી રહી હતી. ભારત રૂની આયાત મોટેભાગે અમેરિકા, આફ્રિકા, બ્રાઝિલ તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી કરે છે. 

મહારાષ્ટ્ર તથા તેલંગણામાં ઉપજ ઊંચી રહેતા વર્તમાન મોસમ માટે રૂ ઉત્પાદન અંદાજ ૩.૦૯ કરોડ ગાંસડી પરથી વધારી એસોસિએશને ૩.૧૭ કરોડ ગાંસડી મૂકયો છે. 

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફને પરિણામે ભારતના એપરલ અને ફેબ્રિકની નીચી નિકાસ માગને ધ્યાનમાં રાખતા ૨૦૨૫-૨૬ની મોસમાં દેશમાં રૂનો વપરાશ ૩ ટકા જેટલો નીચો રહી ૩.૦૫ કરોડ ગાંસડી રહેવા ધારણાં મૂકવામાં આવી છે. 

ભારતની ટેકસટાઈલ નિકાસમાંથી ૩૦ ટકા જેટલી નિકાસ અમેરિકામાં થાય છે, પરંતુ તેના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને પરિણામે ટેકસટાઈલ નિકાસને ફટકો પડવાની ચિંતા પ્રવર્તી રહી છે.