Get The App

રાજકોટમાં કપાસના રૂ.2684ના ઐતિહાસિક ભાવે સોદા

- ગત વર્ષથી બમણાં અસામાન્ય ઉંચા ભાવ! સ્પીનીંગ મિલોએે ખરીદી ઘટાડી નાંખી

- ગ્રાહકથી માંડીને મિલરોને નુક્શાન તો ફાયદો કોને?

Updated: May 12th, 2022

GS TEAM

Google News
Google News
રાજકોટમાં કપાસના રૂ.2684ના ઐતિહાસિક ભાવે સોદા 1 - image

કપાસના પગલે તેલ,કપડાં સહિતની વસ્તુઓ મોંઘી થશે 

રાજકોટ : રાજકોટમાં આજે કપાસના ભાવ   ઓલટાઈમ હાઈ રૂ.૨૬૮૪ નોંધાયો છે જે ગઈકાલ રૂ।.૨૬૮૧ના પ્રતિ ૨૦ કિલો કરતા પણ વધુ ભાવ આજે ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં કપાસની હાલ સીઝન નથી છતાં આજે રોજ સરેરાશ ૧૫૦૦થી ૨૦૦૦ ક્વિન્ટલ કપાસ આવી રહ્યો છે છતાં ઉંચા ભાવથી આશ્ચર્ય ફેલાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડમાં તો કપાસ મણના રૂ.૨૮૦૦એ પહોંચી ગયો છે અને ગાંસડીના ભાવ રૂ।.૧ લાખે પહોંચ્યા છે. 

વેપારી સૂત્રો અનુસાર કપાસનું એકંદર ઉત્પાદન સમગ્ર વિશ્વમાં નિર્ધારિત કરતા ઓછુ થયું છે અને બિયારણ અનુકૂળ નહીં હોવાથી કે ગ્લોબલ વોર્મિંગ, માવઠાં સહિતના કારણોથી કપાસની ગુણવત્તામાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે રાજકોટ યાર્ડમાં મે માસમાં કપાસ રૂ.૧૧૫૦થી ૧૪૫૦ વચ્ચેના ભાવે વેચાતો હતો જે આ વર્ષે ૮૦ થી ૧૦૦ ટકા જેટલો મોંઘો થયો છે. 

કપાસ મોંઘો થતા તેની અસર ખાદ્યતેલ ઉપર  અને કપડાં ઉપર થાય છે. કાપડ મિલો,સ્પીનીંગ મિલોની હાલત મોંઘા કપાસના પગલે કફોડી થઈ છે. કપાસ આધારિત ખોળથી માંડીને કપડાં સહિતના ઉત્પાદનો મોંઘા થતા તેની માંગ ઘટવાનું જોખમ પણ સર્જાયું છે. 

તો સ્પીનરોએ રૂ-કપાસની ખરીદીમાં કાપ મુકી દીધો છે. મહિને ૬ લાખ ગાંસડીથી વધુ ખરીદી સામે હવે પચાસ ટકા જ ખરીદી થાય છ. ઉંચા ભાવથી એક તરફ લોકો ભાવવધારાથી પીસાઈ રહ્યા છે તો બીજી તરફ મિલરો પણ ફરિયાદ કરે છે ત્યારે આ ભાવવધારાનો ફાયદો કોને મળે છે તે સવાલ જાગ્યો છે. જો કે કપાસનું ઉત્પાદન ઘટયું છે પરંતુ, તેની સાપેક્ષે ભાવમાં વધારો ઘણો જ ઉંચો છે. 

બીજી તરફ રાજકોટમાં મગફળીની આવક યથાવત્ જળવાઈ રહી છે અને સીંગદાણાની નિકાસમાં ઘટાડો, એકંદર માંગમાં ઘટાડાથી તેના ભાવ પણ આંશિક ઘટયા છે.

 સીંગદાણાના ભાવ ઘટીને રૂ.૧૭૦૦ આસપાસ રહ્યા છે તો મગફળી પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૧૦૦થી ૧૩૦૦ના ભાવ સ્થિર રહ્યા છે.