નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
ભારતીય અર્થતંત્ર સામે પડકારો છે તો સામે તેના પ્લસ પોંઇન્ટ પણ છે કે જે આ આપત્તિમાં પણ અવસર સર્જી શકે છે. લોકડાઉનમા લકવામાં પડેલી ભારતીય અર્થવ્યવસ્થાના બે મજબૂત સ્થંભ પણ છે. એક તો વિશાળ બજાર અને બીજું દુનિયાની સૌથી યુવાન વસતી.
જાણકારો એટલે જ છાતી ઠોકીને કહે છે કે ભારતીય અર્થતંત્રને ફરી ધબકતું કરવા માટે અન્ય દેશો કરતા ઓછો સમય લાગશે. ભારત દેશની તાકાત ડેમોગ્રાફી છે. જુવાનીયાઓની વધુ ફોજ છે. ભારતીય અર્થતંત્ર પણ ઘરેલુ માગ પર નભે છે. ભારતનો આધાર દુનિયાના બજારોની ડીમાન્ડ પર રહેલો નથી. આ સ્થિતીમાં સરકાર સામે મોટો પડકાર છે.
દેશમા માંગને વધારવી
આ માટે ગ્રાહકોના ખિસ્સામાં પૈસા આવવા જરૂરી છે. તો સવાલ એ છે કે પૈસા ક્યાંથી આવશે ? તો સરકાર કરમાં રાહત આપી શકે છે. ગરીબોના ખાતામાં છ મહિના સુધી સીધા પૈસા મોકલી શકે છે. નાના મોટા વેપારીઓને સસ્તા દરે બેંક લોન મળી શકે છે.
બીજી તરફ દુનિયાભરમાં અર્થતંત્રોને નવસર્જન થશે ત્યારે રોકાણકારો પણ ઇચ્છશે કે તેઓ સુરક્ષિત દેશોમા મુડી લગાવે. આવામા વિદેશી રોકાણકારોને આકર્ષવા મોદી સરકાર કોઇ પેકજ બનાવે તો અર્થતંત્રને વેગ મળી શકે તેમ છે.
ટ્રમ્પના એક નિવેદનથી ભારતને થશે ફાયદો
સાથે જ દેશમાં નોકરીઓનુ પણ મોટા પાયે સર્જન થાય તેમ છે. આ માટે કાયદાઓમાં પણ લવચિકતા જરૂરી છે. ટ્રમ્પે કોરોનાને ચીની વારઇસ ગણાવી ચીન વિરોધી માનસિકતા ઉભી કરી છે. અનેક અમેરિકન કંપનીઓ ચીનથી ખુશ નથી. ચીનથી દાઝેલી આ કંપનીઓ માટે ભારત મજબૂત વિકલ્પ બની શકે તેમ છે. ભારત માટે આ આપત્તિ અવસર બની શકે તેમ છે.
ભાગીદારીનો વિકલ્પ પણ બની શકે છે
આ ઉપરાંત સરકાર ખાનગી કંપનીમાં ભાગીદારી વધારવાનો પણ વિકલ્પ અપનાવી શકે છે. જેમ કે એરલાઇન્સમાં સ્ટેક ખરીદી થોડો સમય ચલાવ્યા બાદ તેને વેચી શકે છે. પરંતુ આ તમામ સૂચનોમા સૌથી મહત્વનુ એ છે કે મોદી સરકારની ઇચ્છા શક્તિ કેટલી છે. શુ સરકાર દિલ ખોલીને, રિસ્ક ઉઠાવી અર્થતંત્રને ધબકતુ કરવાની હિંમત બતાવે છે કે પછી છાશ ફૂંકવા બેસે છે.


