કોરોનાવાઈરસ: ક્રૂડના ભાવ 3 ડોલર જેટલા ઘટવા સંભવ
- ચીન તરફ પ્રવાસીઓની સંખ્યામાં ઓટ આવવા એક રિપોર્ટમાં શકયતા વ્યકત કરાઈ
મુંબઈ, તા. 22 જાન્યુઆરી 2020, બુધવાર
નવા કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ઓઈલના મોટા વપરાશકાર દેશ ચીન ખાતેથી ઓઈલની માગમાં શકય ઘટાડાને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ ૩ ડોલર જેટલો ઘટાડો આવી શકે છે એમ ગોલ્ડમેન સાચ્સે શકયતા દર્શાવી છે. મધ્ય પૂર્વ ખાતેથી પૂરવઠામાં ખલેલ છતાં આ ઘટાડો જોવા મળવા સંભાવના વ્યકત કરાઈ છે.
ચીનના હુબેઈ ખાતેના વુહાન ખાતેથી આ વાઈરસ ફેલાયા છે અને ચીનના બાકીના વિસ્તારોમાં તે પ્રસર્યા છે. વાઈરસથી અસર પામ્યા હોય તેવા ૪૪૦ કેસો નોંધાયા છે અને અત્યારસુધી નવ મૃત્યુ થયા છે. આ વાઈરસ અમેરિકા, તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા તથા થાઈલેન્ડ સુધી પહોંચ્યા છે.
વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતા આ વાયરસને કારણે નાણાં બજારોમાં ગભરાટ ફેલાયો છે કારણ કે ૨૦૦૨-૦૩માં ફેલાયેલા સિવિઅર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ રોગચાળાનું ઉદ્ગામ સ્થાન પણ ચીન રહ્યું હતું. આ રોગચાળાને કારણે વિશ્વભરમાં ૮૦૦ લોકોના મૃત્યુ થયા હતા.
સિવિઅર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સમયે જોવાયેલી અસરને ધ્યાનમાં રાખી ૨૦૨૦માં કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તેનો સાચ્સે અભ્યાસ કર્યો હતો. જેમાં વિશ્વભરમાં ઓઈલની દૈનિક માગમાં સરેરાશ ૨,૬૦,૦૦૦ બેરલ્સનો નેગેટિવ આંચકો લાગી શકે છે તેવો અંદાજ નીકળ્યો છે.
આ અંદજમાં ૧,૭૦,૦૦૦ જેટ ફ્યુઅલની દૈનિક માગના આંચકાનો પણ સમાવેશ થાય છે. વાઈરસના ફેલાવાને કારણે ચીન ખાતેના પ્રવાસમાં ઘટાડો નોંધાશે તો જેટ ફ્યુઅલની માગ પર તેની ગંભીર અસર પડશે. જેની પ્રારંભિક અસરરૂપે ક્રુડના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
બ્રેન્ટ ક્રુડ હાલમાં પ્રતિ બેરલ ૬૪ ડોલર આસપાસ જ્યારે નાયમેકસનો ભાવ ૫૮ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છે.