ચીનના એન્જિનિયરોના પલાયનનો વિવાદ
- માત્ર એક જ દેશના ટેકનિશિયનો પર જ આધાર ન રાખવો જોઇએ
- ચીનના ૩૦૦ એન્જિનિયરોના અચાનક પલાયનથી ભારતના કર્મચારીબળને તાલીમ પૂરી પાડવાની કામગીરી પર અસર પડશે
મુંબઈ : ફોકસકોનના ચેન્નાઈ તથા બેંગ્લુરુસ્થિત આઈફોન એકમોમાંથી ચીનના ૩૦૦ જેટલા એન્જિનિયરોના અચાનક પલાયનને ભારત સરકાર પોતાના ટેલેન્ટેડ કર્મચારીબળમાં વૈવિધ્યતા લાવવા એક પડકાર અને તક બન્ને તરીકે જોઈ રહી છે. સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
ફોકસકોનથી મધ્યમ સ્તરના ચાઈનીસ એન્જિનિયરો નીકળી જવાથી સ્થિતિ પડકારરૂપ છે પરંતુ તે અતિશય કપરી નથી એમ સરકાર માની રહી હોવાનું આધારભૂત સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ફોકસકોનના પ્લાન્ટસ અહીં છેલ્લા પાંચ વર્ષથી છે અને પૂરતા પ્રમાણમાં તાલીમ મળી ગઈ હોવાનું સરકાર માની રહી છે અને માટે બાકીના કર્મચારીઓ કામકાજ ચાલુ રાખશે એવી સરકારને અપેક્ષા છે.
વિયેતનામ તથા અમેરિકા ખાતેથી ટેલેન્ટ લાવવા અંગે પણ વિચારી શકાય છે. માત્ર એક જ દેશના એન્જિનિયરો પર જ આધાર નહીં રખાવો જોઈએ તેમ પણ સરકાર માની રહી છે.
વિદેશના ખાસ કરીને ચીનના કર્મચારીબળને ભારતમાં કામ કરવા માટે સરકાર સખત નીતિ ધરાવે છે ત્યારે ઈલેકટ્રોનિકસ એન્ડ ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલયે ફોકસકોનના પ્લાન્ટસ ખાતે ચીનના એન્જિનિયરોના વિસા માટે વ્યવસ્થા પૂરી પાડી હતી.
ઘરઆંગણે એપલની કામગીરીના મહત્વને ધ્યાનમાં રાખી અને સ્થાનિકમાં તેના આઈફોન ઉત્પાદનને ગતિ આપવાના ભાગરૂપ વિસાની વ્યવસ્થા કરી અપાઈ હતી.
ફોકસકોન એપલની સૌથી મોટી કોન્ટ્રેકટ મેન્યુફેકચરર છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે ભારતમાં પગપેસારો કરી રહી છે.
ફોકસકોન બેંગ્લુરુ નજીક નવો પ્લાન્ટ પણ ઊભો કરી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. જો કે ચીનના ૩૦૦ એન્જિનિયરોના અચાનક પલાયનથી ભારતના કર્મચારીબળને તાલીમ પૂરી પાડવાની કામગીરી પર અસર પડશે તેવી પણ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
ચીન ઉપરાંત વધુ એક દેશની નીતિના ભાગરૂપ એપલે કોરોનાના કાળ બાદ ભારતમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. જો કે પોતાના ઉત્પાદન મોડેલ માટે એપલ કંપની ચીનના એન્જિનિયરો પર આધાર રાખી રહી છે.