Business

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા

By GS TEAM
21 Aug 20251 min read
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા

નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં પ્રસ્તાવિત સુધારા પછી સરકાર થોડા સમય માટે નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે. આનાથી વેપારીઓ પરોક્ષ કરના લાભો ગ્રાહકો સુધી પહોંચાડે છે કે નહીં તેની ખાતરી થશે.

સરકાર બજાર-આધારિત ભાવનિર્ધારણ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ અન્યાયી નફાખોરીની શક્યતાને નકારી શકાતી નથી. જો કંપનીઓ કર દરમાં ઘટાડા અનુસાર મહત્તમ છૂટક ભાવ ઘટાડશે નહીં તો આવું થઈ શકે છે. સરકાર બે વર્ષ માટે નફાખોરી વિરોધી પગલાં અમલમાં મૂકવાની યોજના બનાવે તેવી વકી છે.

નફાખોરી વિરોધી જોગવાઈઓ સૌપ્રથમ ૨૦૧૭માં લાગુ કરવામાં આવી હતી. તે સમયે જીએસટી એ ઘણા પરોક્ષ કરને બદલે ઘણા માલ પરના કર દરો ઘટાડયા હતા. સેન્ટ્રલ જીએસટી કાયદાની કલમ ૧૭૧ હેઠળ લાવવામાં આવેલા આ નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે વ્યવસાયો ઘટાડેલા કર દરો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ના લાભો ગ્રાહકો સુધી પહોંચાડે.

આ નિયમોની સાથે, સરકારે નફાખોરી વિરોધી મહાનિર્દેશાલયની પણ સ્થાપના કરી છે. તેનું કામ એવી કંપનીઓ સામેની ફરિયાદોની તપાસ કરવાનું હતું જે ગ્રાહકોને ઓછા કર દરોનો લાભ આપી રહી ન હતી. આ ઉપરાંત, કોઈપણ અનિયમિત અને અન્યાયી નફાખોરી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય નફાખોરી વિરોધી સત્તામંડળની રચના કરવામાં આવી હતી.