MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા
- ટેરિફ આંચકા સામે નાના ઉદ્યોગોને રક્ષણ આપવાના પ્રયાસ
મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર જંગી ટેરિફ લાગુ કરવાના લેવાયેલા નિર્ણયની સૌથી વધુ ગંભીર અસર દેશના માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝિસ (એમએસઈ) પર પડવાની શકયતા જોવાઈ રહી છે ત્યારે આ ક્ષેત્રને ટેરિફ આંચકા સામે રક્ષણ આપવા સરકાર એમએસઈને કોલેટરલમુકત લોનની મર્યાદા જે રૂપિયા ૧૦ લાખ છે તે વધારી રૂપિયા ૨૦ લાખ કરવા વિચારી રહી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
નાણાંકીય સેવા વિભાગ અને આરબીઆઈના અધિકારીઓ વચ્ચે આ સંદર્ભમાં ચર્ચા ચાલુ છે. ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ એમએસઈને રૂપિયા ૧૦ લાખ સુધીની લોન કોલેટરલમુકત આપવામાં આવે છે. આ મર્યાદા વધારી રૂપિયા ૨૦ લાખ કરાશે.
સદર સ્કીમમાં સુધારો કરવા કેબિનેટની મંજુરીની આવશ્યકતા નથી અને નોટિફિકેશન જારી કરીને તે લાગુ કરી શકાશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. મર્યાદા વધારીને બમણી કરવા અને સ્કીમની બાકીની જોગવાઈઓ યથાવત રાખવા વિચારણા થઈ રહી છે.
સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ ૨૧ ઓગસ્ટ પછી સ્કીમમાં સુધારા સાથેનું નોટિફિકેશન જારી થવા વકી છે. એમએસઈ માટેના ક્રેડિટ ગેરન્ટી ફન્ડ ટ્રસ્ટ એમએસઈ વતિ ગેરન્ટી પૂરી પાડે છે. સદર સ્કીમ હેઠળ લોન મેળવનાર એસએમઈ યુનિટ જો લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો લોનની બાકી રકમના ૭૫-૯૦ ટકા રકમ ફન્ડ ભરપાઈ કરી આપે છે. ટેરિફનો સૌથી વધુ માર જ્યારે દેશના એમએસઈ ક્ષેત્ર પર જોવાઈ રહ્યો છે ત્યારે આ ક્ષેત્રને મદદ કરવાની આવશ્યકતા હોવાનું સરકાર માની રહી છે.
ભારતના માલસામાન પર હાલમાં ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવેલ છે અને બીજા ૨૫ ટકા ૨૭ ઓગસ્ટથી લાગુ થશે. ટેરિફ વોરને કારણે નાના વેપારગૃહોની બેલેન્સ શીટ ફરી દબાણ હેઠળ આવી જવાની અને અગાઉ પૂરી પડાયેલી લોનની વસૂલી કઠીન બની રહેશે એવી બેન્કોને ચિંતા સતાવી રહી છે.
આવી સ્થિતિમાં ધિરાણદારોની એનપીએની માત્રા જે હાલમાં નોંધપાત્ર નીચી છે તેમાં ફરી વધારો થવાનું પણ જોખમ રહેલું છે. કોરાનાના કાળમાં સદર સ્કીમ હેઠળ નાના ઔદ્યોગિક એકમોને નોંધપાત્ર લોન્સ પૂરી પાડવામાં આવી હતી.