Get The App

'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...', SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...', SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ 1 - image


Congress Blames On Madhabi Puri Buch: હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર આપે તેવી માગ પણ કરી છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી પુરી બુચ પર એક સાથે ત્રણ જગ્યાએથી પગાર મેળવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.

પવન ખેડેએ કહ્યું છે કે, આ દેશમાં શતરંજની રમત રમાઈ રહી છે. જેનો ખેલાડી કોણ છે, તેના પર અમે નિર્ણાયક રૂપે પહોંચી શક્યા નથી. પરંતુ અલગ-અલગ મોહરા છે. જેમાંથી એક મોહરુ માધબી પુરી બુચ છે.

પવન ખેડાએ આગળ કહ્યું કે, માધબી પુરી બુચ સેબીની સભ્ય હતી. ત્યારબાદ 2 માર્ચ, 2022માં તેને ચેરપર્સન બનાવવામાં આવી. જો કે, 2017થી 2024 દરમિયાન માધબી પુરી બુચ આઇસીઆઇસીઆઇ બૅન્ક પાસેથી નિયમિત ધોરણે આવક મેળવી રહી હતી. વધુમાં ESOP પર લાગુ ટીડીએસ પણ બૅન્ક ચૂકવી રહી હતી. જે વાસ્તવમાં નિયમનું ઉલ્લંઘન છે. બાદમાં 2019-20 દરમિયાન આઇસીઆઇસીઆઇ બૅન્ક પાસેથી મળતા પગારમાં સતત વધારો થાય છે.

પગાર પેટે રૂ. 16.8 કરોડથી વધુની આવક

પવન ખેડા અનુસાર, શેર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન હોવા છતાં માધબીએ આઇસીઆઇસીઆઇ બૅન્ક પાસેથી 2017-2024 દરમિયાન કુલ રૂ. 16.8 કરોડની નિયમિત આવક મેળવી છે. તેમજ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ અને સેબી પાસેથી પણ પગાર લઈ રહી હોવાનો દાવો કર્યો છે. 

આ પણ વાંચોઃ શેરબજારની બુલ રન યથાવત્, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, 300થી વધુ શેર્સમાં અપર સર્કિટ

ખેડાએ પીએમ મોદીને પૂછ્યા સવાલ

  • જ્યારે સેબીના વડાની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેના માપદંડ શું છે?
  • શું આ હકીકતો ACC સમક્ષ નિમણૂક સમયે જાહેર કરવામાં આવી હતી કે નહીં? અને જો તેઓ આવ્યા ન હોત તો તેઓ કેવી સરકાર ચલાવે છે?
  • શું વડા પ્રધાનને ખબર હતી કે સેબીના અધ્યક્ષ ICICI પાસેથી પણ પગાર લે છે?
  • શું પીએમ એ વાતથી વાકેફ છે કે સેબીના ચેરપર્સન ICICIની ઘણી બાબતો પર નિર્ણય લઈ રહ્યા છે?
  • સેબીના ચેરપર્સન વિશે ઘણી બધી હકીકતો છે, છતાં તેમનું રક્ષણ કોણ કરી રહ્યું છે?

શતરંજના ખેલાડી કોણ?

પવન ખેડાએ આગળ કહ્યું કે, આઇસીઆઇસીઆઇના અનેક કેસ સેબીના હાથમાં છે. અને સેબી તેના પર નિર્ણય પણ લઈ રહી છે. તો આ શતરંજના ખેલાડી કોણ છે, અને તેને ડર પણ નથી કે, ક્યારે તો સત્ય બહાર આવશે જ. આ તમારું નવું ઇન્ડિયા છે, તો કોંગ્રેસ પણ નવી છે. તે ખુલાસા કરતી રહેશે.


'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...', SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ 2 - image

Tags :