નિકાસલક્ષી MSMEની લોન નબળી પડવાની ચિંતા
- દેશમાં કાર્યરત એમએસએમઈમાંથી ૫૦ ટકા નિકાસ વેપારમાં પ્રવૃત્ત
- સુક્ષ્મ, નાના, મધ્યમ ઉદ્યોગો ટેરિફની અસરને સંતુલિત કરી શકશે નહી તેમજ માર્જિનમાં પણ ઘટાડો થવાની સમસ્યાનો સામનો કરવો પડશે
મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે દેશમાંથી નિકાસ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે બેન્કો નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને ધિરાણ પૂરા પાડવામાં સાવચેતી ધરાવશે એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. આ અગાઉ પૂરી પડાયેલી લોન દબાણ હેઠળ આવી જવાની બેન્કોમાં ચિંતા ઊભી થઈ છે.
૨૫ ટકા ટેરિફને કારણે નિકાસલક્ષી એવા એમએસએમઈની લોન્સ નબળી પડવાની શકયતા વધી ગઈ છે. એમએસએમઈને પૂરી પડાયેલી લોન સામે ધિરાણદારો તેમની પાસેથી વધુ કોલેટરલ માગવાનું શરૂ કરાશે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
એમએસએમઈની એસેટ કવોલિટી અત્યારસુધી સ્થિર છે, પરંતુ આવનારા દિવસોમાં નિકાસ બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે, જે તેમની એસેટ કવોલિટી પર અસર કરશે.
ગયા નાણાં વર્ષમાં બેન્ક ધિરાણમાં એકંદર ઘટાડો થયો હતો પરંતુ એમએસએમઈને ધિરાણમાં ૧૪.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી હતી જે રિટેલ તથા સેવા ક્ષેત્રમાં થયેલી વૃદ્ધિ કરતા વધુ હતી.
દેશમાં કાર્યરત એમએસએમઈમાંથી ૪૮થી ૫૦ ટકા એમએસએમઈ નિકાસલક્ષી છે. આવી સ્થિતિમાં ધિરાણદાર બેન્કો નિકાસલક્ષી કરતા ઘરઆંગણે જેમનું વેચાણ વધારે છે તેવા એમએસએમઈને ધિરાણ પૂરુ પાડવાનું વધુ પસંદ કરશે એમ બેન્કરે વધુમાં જણાવ્યું હતું.
૨૫ ટકા ટેરિફને કારણે ભારતના ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફૂટવેર તથા એન્જિનિયરિંગ નિકાસ પર અસર પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
દેશના આર્થિક વિકાસ દર તથા રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈની મહત્વની ભૂમિકા રહે છે. દેશની મોટાભાગની બેન્કોએ એમએસએમઈ ક્ષેત્રને જંગી લોન્સ પૂરી પાડી છે. ખાસ કરીને કોરોનાના કાળ બાદ એમએસએમઈને ટેકો પૂરો પાડવા ખાસ ધિરાણ યોજના પણ જાહેર કરવામાં આવી હતી.
ઊંચા ટેરિફને કારણે જે એમએસએમઈ પોતાની પરના બોજને પસાર કરી નહીં શકે તેમના માર્જિન પર દબાણ આવી શકે છે આવી સ્થિતિમાં તેમના દ્વારા પેમેન્ટમાં ઢીલ પડવાની શકયતા રહેલી છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૦માં એમએસએમઈની કુલ લોનમાં ૧૧.૦૩ ટકા લોન નોન પરફોર્મિંગ એસેેટસ બની ગઈ હતી જે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૩.૫૯ ટકા પર આવી ગઈ હતી. હવે સ્થિતિ ફરી ગંભીર બનવાની બેન્કરોને ચિંતા સતાવી રહી છે.