Get The App

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી

- ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમ ઓફર કરવા ઓનલાઈન રિટેલરોની તૈયારી શરૂ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી 1 - image


મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) માળખામાં ફેરબદલ કરી એસી, ફ્રીજ, ટીવી ઉપરાંત રોજબરોજના વપરાશની ચીજવસ્તુ પરના જીએસટીમાં ઘટાડો કરાતા આગામી તહેવારોની મોસમમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે માલસામાનના વેચાણમાં ગળાકાપ હરિફાઈ જોવા મળવાના એંધાણ મળી રહ્યા છે. 

જીએસટીમાં ઘટાડા તથા તેના અમલીકરણ બાબતે સરકાર તરફથી વેળાસર સ્પષ્ટતા આવી જતા ઓનલાઈન વેચાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરેએ તહેવારોને લગતા વેચાણ વ્યૂહ ઘડવાનું શરૂ કરી દીધું છે. વેળાસરના સ્પષ્ટીકરણને કંપનીઓ દ્વારા આવકારવામાં આવ્યું છે.ટીવી, ફ્રીજ, એસી, કોમ્પ્યુટર્સ જેવા સાધનો પરના જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો કરાતા ગ્રાહકોને આકર્ષવા માટે નીતનવી સ્કીમ્સ તૈયાર કરવામાં આવી રહી હોવાનું એક ઈ-કોમર્સ કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું. 

ભાવમાં ઘટાડાને કારણે આગામી ફેસ્ટિવ સેલ્સના વેચાણમાં વધારો થવાની ઈ-કોમર્સ કંપનીઓ અપેક્ષા રાખી રહી છે. 

જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં કાઉન્સિલે જીએસટી દર માળખામાં ફેરબદલ કરી હવે પાંચ ટકા અને ૧૮ ટકાના બેજ માળખા લાગુ કર્યા છે. જો કે તમાકુ જેવા પ્રોડકટસ માટે ૪૦ ટકાના ખાસ દરની પણ રચના કરવામાં આવી છે. 

જીએસટીના બે જ દર રાખવામાં આવતા કંપનીઓ માટે ફરજપાલન કરવાનું આસાન બનશે એમ અન્ય એક ઈ-કોમર્સ કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું અને ફેસ્ટિવ સેલમાં વધારો થવામાં મદદ મળશે તેવી આશા વ્યકત કરી હતી.

મોટા ઓનલાઈન રિટેલરોની વાર્ષિક આવકમાંથી અંદાજે ૨૫ ટકા આવક દશેરા-દિવાળીના તહેવારોમાં થઈ જતી હોવાનો અંદાજ છે. 

અમેરિકા દ્વારા ૫૦ ટકા જેટલા ઊંચા ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનોના વિદેશ બજારમાં વેચાણ પર અસર પડવાની ચિંતાને ધ્યાનમાં રાખી સરકાર ઘરઆંગણે વેચાણમાં વધારો થાય તેમ ઈચ્છી રહી છે.  

ઈ-કોમર્સના સંચાલકો જ નહીં પરંતુ આવા પ્લેટફોર્મ પરથી માલસામાનની ખરીદી કરતા રિટેલ ગ્રાહકો પણ હવે તહેવારો નિમિત્તેની ખરીદીમાં યોજના બનાવી શકશે તેવા પણ ઓનલાઈન રિટેલરો મત ધરાવી રહ્યા છે. 


Tags :