QIP થકી ભંડોળ એકત્ર કરવામાં કંપનીઓની ગતિ ગત વર્ષ કરતા ધીમી
- ઓગસ્ટ સુધી, ૨૭ કંપનીઓએ રૂ. ૫૭,૨૫૪ કરોડ એકત્ર કર્યા જે ગત વર્ષે રૂ. ૬૪,૯૨૪ કરોડ ઊભા કરાયા હતા
અમદાવાદ : સ્ટેટ બેંકસ દ્વારા ૨૫ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની ઘટનાને બાદ કરતાં, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) થકી ભંડોળ એકત્ર કરવામાં મોટાભાગની કંપનીઓની ગતિ ગયા વર્ષ કરતા ઓછી રહી છે. અન્ય રૂટ થકી ભંડોળ એકત્ર કરવાના સંદર્ભમાં રેકોર્ડબ્રેક વક્। પછી, ૨૦૨૫માં ક્યુઆઈપીની ગતિ ધીમી પડી ગઈ છે.
ઓગસ્ટ સુધી, ૨૭ કંપનીઓએ ક્યુઆઈપી થકી ૫૭,૨૫૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જ્યારે ૨૦૨૪ ના સમાન સમયગાળા દરમિયાન, ૫૮ કંપનીઓએ ક્યુઆઈપી થકી ૬૪,૯૨૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (જે અત્યાર સુધી સ્થાનિક બજારમાં સૌથી મોટું ક્યુઆઈપી છે) દ્વારા ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ એકત્ર કર્યા સિવાય, આ વર્ષે એકત્ર કરાયેલ કુલ મૂડી ગયા વર્ષના આંકડા કરતા અડધા કરતા પણ ઓછી હશે.
બજારના જાણકારોએ જણાવ્યું હતું કે, યુએસ ટેરિફ ચિંતાઓ અને અન્ય પરિબળોને કારણે બજાર મોટાભાગના વર્ષ દરમિયાન અસ્થિર રહ્યું છે. તાજેતરના જીએસટી ઘટાડા અને તહેવારોની મોસમ દરમિયાન ઊંચા વપરાશની અસર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર પછી કંપનીઓની કમાણીમાં પ્રતિબિંબિત થવાની સંભાવના છે, જે કદાચ કંપનીઓને બજારમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરશે. તહેવારોની મોસમ પછી વધુ ક્યુઆઈપી રજુ થવાની અપેક્ષા છે.
ક્યુઆઈપી કંપનીને બજાર ભાવ કરતાં ઓછી કિંમતે રોકાણકારોને પસંદ કરવા માટે નવા શેર જારી કરવાની મંજૂરી આપે છે. તે ફોલો-ઓન મૂડી એકત્ર કરવાની પસંદગીની પદ્ધતિ રહે છે કારણ કે તે ઝડપી અને ઓછી ખર્ચાળ છે.