Get The App

અમેરિકામાં પોતાનો માલ પહોંચતો કરવા ચીનની કંપનીઓ દ્વારા ભારતના નિકાસકારોને કમિશનની ઓફર

- ઊંચા ટેરિફને પરિણામે ચીનના ઉત્પાદકો માટે અમેરિકામાં સીધો માલ વેચવાનું મુશકેલ

Updated: Apr 29th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં પોતાનો માલ પહોંચતો કરવા  ચીનની કંપનીઓ દ્વારા ભારતના નિકાસકારોને કમિશનની ઓફર 1 - image


મુંબઈ : અમેરિકાના ઊંચા ટેરિફથી નુકસાન ભોગવી રહેલી ચીનની કેટલીક કંપનીઓ અમેરિકામાં પોતાનો માલ વેચવા ભારતના  નિકાસકારોનો સંપર્ક સાધી રહ્યા છે અને આ માલના અમેરિકામાં વેચાણ સામે ભારતીય કંપનીઓને કમિશન ઓફર કરવામાં આવી રહ્યા હોવાનું ઉદ્યોગજગતના સુત્રો જણાવી રહ્યા છે.

ચીનના ગુઆંગઝુહો ખાતે હાલમાં ચાલી રહેલા કેન્ટોન ફેરમાં ભાગ લઈ રહેલી ભારતની કંપનીઓને ચીનની કંપનીઓ દ્વારા આ ઓફર આપવામાં આવી રહી છે. ૧૫ એપ્રિલથી શરૂ થયેલો આ ફેર પાંચમી  સુધી ચાલવાનો છે. 

ઈલેકટ્રોનિકસ, મસીનરી, ટેકસટાઈલ, હોમ ડેકોરના ઉત્પાદનમાં સંકળાયલી ચીનની કંપનીઓ  પોતાના માલસામાન વિદેશના ખરીદદારોને ઓફર કરે છે. 

પોતાની પાસેથી માલ લઈ  ભારતની કંપનીઓને અમેરિકા ખાતેના તેમના ગ્રાહકોને વેચવા ચીનની  કંપનીઓ સમજાવી રહી છે અને આ વ્યવહારના બદલામાં કમિશન આપવાની તૈયારી બતાવાઈ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

અમેરિકા દ્વારા લાગુ કરાયેલા જંગી ટેરિફને કારણે ચીનના મોટાભાગના નિકાસકારોને ફટકો પડયો છે. ચીનના માલસામાન પર ૧૪૫ ટકાની સામે ભારતના માલસામાન પર  અમેરિકામાં હાલમાં ૧૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલવામાં આવે છે, જે ૯૦ દિવસની મુદત બાદ વધી ૨૬ ટકા  વસૂલાશે. 

આ અગાઉ ટ્રમ્પે પ્રમુખ તરીકેની પોતાની પ્રથમ મુદતમાં ચીન પર ટેરિફ લાગુ કરતા ચીનની અનેક કંપનીઓએ  તે વેળાએ વિયેતનામમાં પોતાના એકમો ઊભા કરી દીધા હતા અને ત્યાંથી અમેરિકામાં નિકાસ કરાતી હતી. જો કે આ વખતે વિયેતનામના સામાન પર પણ ૪૬ ટકા જેટલી ઊંચી ટેરિફ લાગુ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં ચીનના નિકાસકારો ભારત તરફ નજર દોડાવે તે સ્વાભાવિક છે, એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

જો કે ભારતમાં ચીનના ઈન્વેસ્ટમેન્ટસ પર મર્યાદાઓ હોવાથી ચીનની કંપનીઓ માટે અહીં એકમો સ્થાપવાનું મુશકેલ બની રહે છે. ભારત ખાતેથી નિકાસ કરવાનું મુશકેલ હોવાથી ચીનની કંપનીઓ પોતાની બ્રાન્ડસમાં ભારતીય કંપનીઓને સહ-બ્રાન્ડ  તરીકે જોડાવાની ઓફર કરી રહી છે.

ચીનના માલસામાનની ગેરહાજરીમાં ઊભા થયેલા અવકાશને પૂરવા અમેરિકાની સરકાર ભારતીય કંપનીઓને કેટલી તક આપે છે તે જોવાનું રહેશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.  

Tags :