FOLLOW US

ચીનની સમગ્ર દુનિયાથી ઉંધી ચાલ, લિક્વિડિટી વધારવા CRR ઘટાડાયો

- વિશ્વની કેન્દ્રીય બેન્કો ફુગાવો નીચે લાવવા લિક્વિડિટી ઘટાડવાના પ્રયાસ કરી રહી છે

Updated: Mar 17th, 2023


મુંબઇ : ફુગાવાને નીચે લાવવા એક તરફ વૈશ્વિક કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં વધારો કરી રહી છે, ત્યારે પોતાના અર્થતંત્રને ગતિ આપવા ચીનની કેન્દ્રીય બેન્કે પોતાની બેન્કો માટેના રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યો છે. વિશ્વની કેન્દ્રીય બેન્કો લિક્વિડિટીની તાણ ઊભી કરી રહી છે, જ્યારે ચીન લિક્વિડિટી વધારવાના મૂડમાં હોવાનું જણાય રહ્યું છે. 

ચીનની બેન્કો માટે  રિઝર્વના પ્રમાણમાં પા ટકાનો ઘટાડો કરાયો હોવાનું  પીપલ'સ બેન્ક ઓફ ચાઈનાએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં આ પ્રથમ ઘટાડો છે. ચીનમાં સીઆરઆર હવે  ૭.૬૦ ટકા રહેશે. નવું પ્રમાણ ૨૭મી માર્ચથી લાગુ થશે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ગુરુવારે રેપો રેટમાં  ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને ૩.૫૦ ટકા કર્યો હતો. 

કોરોના સંબંધિત પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ બે મહિનામાં ચીનના અર્થતંત્રમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના પ્રથમ બે મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનામાં ચીનનાં રિટેલ વેચાણમાં ૩.૫૦ ટકા વધારો થયો છે.

 ડીસેમ્બર, ૨૦૨૨માં રિટેલ વેચાણમાં ૧.૮૦ ટકા ઘટાડો થયો હતો. આમ શરૂ થયેલી રિકવરીને ચીનના સત્તાવાળા ગતિ આપવા લિક્વિડિટીમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહ્યા છે.

આવતા સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠકમાં વ્યાજ દરમાં  પા ટકાનો વધારો આવવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 


Gujarat
English
Magazines