Get The App

રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો

- રશિયાથી ક્રુડ તેલ ખરીદવાનું અટકાવી દેવાના કિસ્સામાં ભારતનું આયાત બિલ વધશે

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો 1 - image


મુંબઈ : રશિયા પાસેથી ક્રુડ તેલ તથા શસ્ત્રો ખરીદવા બદલ ભારતને પેનલ્ટી લાગુ કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે, પરંતુ અમેરિકા પોતે જ રશિયા સાથે વેપાર કરતું હોવાનો ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.  રશિયાનું ક્રુડ તેલ ખરીદનારા દેશોના માલસામાન પર ૫૦૦ ટકા સુધી ટેરિફ લાગુ કરવાની અમેરિકાએ આપેલી ચીમકીના પ્રતિસાદમાં  ચીને જણાવ્યું હતું કે આજની તારીખમાં પણ અમેરિકા રશિયા સાથે વેપાર કરી રહ્યું છે ત્યારે અમેરિકાને તે કઈ રીતે સ્વીકાર્ય છે? અને બીજા માટે કેમ નહીં? એમ  સંયુકત રાષ્ટ્રમાં ચીનના કાયમી નાયબ પ્રતિનિધિ જેંગ શુઆંગે સવાલ કર્યો હતો. 

ભારત પર ૨૫ ટકા ટેરિફ જાહેર કરતી વખતે ટ્રમ્પે રશિયા પાસેથી ક્રુડ તેલ તથા શસ્ત્રોની ખરીદી કરી ભારત રશિયાને મદદ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરી આ માટે પેનલ્ટી વસૂલવાની જાહેરાત કરી હતી. જો કે ટેરિફ અંગેના ઓર્ડરમાં પેનલ્ટી બાબત કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

દરમિયાન પ્રાપ્ત અહેવાલ પ્રમાણે ભારતની ઓઈલ રિફાઈનરીઓએ રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. અમેરિકા દ્વારા પેનલ્ટીના કિસ્સામાં ભારતે હવે અન્યત્ર ખાતેથી ઓઈલ ખરીદવાની ફરજ પડશે જેને કારણે વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવમાં વધારો થવાની શકયતા રહેલી છે.

ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો વપરાશકાર દેશ છે. ક્રુડ તેલના ભાવમાં વધારાથી ભારતનું આયાત બિલ વધી શકે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

ક્રુડ તેલના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલર સુધીના વધારાથી ભારતના ક્રુડ તેલ આયાત બિલમાં ૧૩-૧૪ અબજ ડોલર જેટલો વધારો થઈ શકે છે. આ ઉપરાંત ઓઈલ માકેટિંગ કંપનીઓની પેટ્રોલ તથા ડીઝલ પરની અન્ડર રિકવરીસમાં વધારો જોવા મળશે. 

રશિયા પાસે ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદીને કારણે મે ૨૦૨૨થી મે ૨૦૨૫ના ગાળામાં ભારતના ક્રુડ  તેલના આયાત બિલમાં અંદાજે ૧૭.૨૦ અબજ ડોલરની બચત થવા પામી છે.  દરમિયાન પાકિસ્તાનમાં ક્રુડ તેલ રિઝર્વ ઊભું કરવાની અમેરિકાની જાહેરાત બાદ હવે પાકિસ્તાને અમેરિકા પાસેથી પહેલી જ વખત ક્રુડ તેલ ખરીદી કરાર કર્યા છે. પાકિસ્તાનની એક રિફાઈનરીએ અમેરિકા પાસેથી દસ લાખ બેરલ ક્રુડ તેલ ખરીદવા કરાર કર્યા છે. આ ખરીદી વર્તમાન વર્ષના ઓકટોબરમાં પાર પડશે. પાકિસ્તાન દ્વારા અમેરિકા ખાતેથી પહેલી જ વખત આ ખરીદી કરવામાં આવી રહી છે. 

રશિયા પાસેથી ભારતની ક્રુડ ઉપરાંત કોલસાની ખરીદીમાં પણ તાજેતરના સમયમાં વધારો

રશિયા પાસેથી ભારતની ક્રુડ તેલ ઉપરાંત કોલસાની ખરીદીમાં પણ તાજેતરના સમયમાં વધારો જોવા મળ્યો છે. વર્તમાન વર્ષના એપ્રિલ-મેમાં ભારતની થર્મલ કોલની આયાતમાં રશિયાનો હિસ્સો વધી ૧૩.૪૦ ટકા જેટલો રહ્યો હતો જે અમેરિકાના ૧૩.૭૦ ટકાની લગભગ નજીક છે.

નાણાં વર્ષ ૨૦૧૮ તથા ૨૦૧૯માં અમેરિકા ખાતેથી ભારતમાં કોલસાની નિકાસ રશિયાની સરખામણીએ ચાર ગણી રહી હતી. નાણાં વર્ષ ૨૦૨૫માં ભારતની કોલસાની એક્ંદર આયાતમાંથી  ૧૧.૧૦ ટકા આયાત અમેરિકા ખાતેથી થઈ હતી  જ્યારે રશિયાનો હિસ્સો ૧૦.૭૦ ટકા હતો. 

આમ રશિયા ખાતેથી ક્રુડ તેલ ઉપરાંત ભારતની કોલસાની આયાત પણ વધી ગયાનું ચિત્ર નજરે પડે છે. નાણાં વર્ષ ૨૦૧૯માં ભારતની કોલસાની આયાતમાં રશિયાનું સ્થાન આઠમું હતુ અને અમેરિકાનું ચોથુ હતું. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં અમેરિકા ત્રીજા સ્થાને આવી ગયું છે જ્યારે રશિયા ચોથા સ્થાને એમ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

Tags :