ચીન- અમેરિકા વચ્ચેના 17 મહિના જૂના ટ્રેડવોરનો અંત : નાતાલ પૂર્વે વિશ્વબજારમાં અજંપો દૂર થયો
- ઘરઆંગણે વિવિધ આયાતી ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ વધારાતાં પામતેલ તથા સોયાતેલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ
- સિંગદાણામાં આંધ્ર તથા કર્ણાટક બાજુ મથકોએ નવી આવકો શરૂ
મુંબઈ, તા. 14 ડિસેમ્બર, 2019, શનિવાર
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. ભાવ ઉંચા મથાળે સૂસ્તાઈ બતાવતા હતા. બજાર હાલ કરેકશન મોડમાં રહી છે પરંતુ બજારના આંતરપ્રવાહો હજી મક્કમ જ રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થતાં તથા આના પગલે અમેરિકાના કૃષિ બજારોમાં ચીનની માગ વધવાની આશાએ અમેરિકામાં ભાવ ઉછળ્યાના વાવડ હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૪થી ૩૭ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૨૭ પોઈન્ટ જ્યારે સોયાબીનનો વાયદો ૮૬થી ૯૨ પોઈન્ટ ઉછળ્યો હતો.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૧૦ વાળા રૂ.૮૦૪થી ૮૦૫ રહ્યા હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૮૦૫ વાળા રૂ.૮૦૧ બોલાઈ રહ્યા હતા. નવા વેપારો પાંખા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૨૮ રહ્યા હતા. સોયાતેલના ભાવ આજે ડિગમના રૂ.૮૧૫ તથા રિફાઈન્ડના રૂ.૮૫૨ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૮૧૫ તથા રિફાઈન્ડના રૂ.૮૬૦ રહ્યા હતા.
દરમિયાન, દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃધ્ધિ કર્યાના વાવડ મળ્યા હતા. સીપીઓની આવી ટેરીફ વેલ્યુ ૬૫૦ વાળા ૬૮૭ ડોલર કરાઈ છે જ્યારે પામોલીનની ૬૯૦ વાળી ૭૧૯ ડોલર થઈ છે. દરમિયાન, સોયાતેલની આવી ટેરીફ વેલ્યુ ૭૬૯ વાળી ૭૭૬ ડોલર થઈ છે. આના પગલે દરેક આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ વધી છે.
સીપીઓ ક્રુડ પામ ઓઈલની આવી અસરકારક આયાત જકાત ટનના રૂ.૧૧૭૮થી ૧૧૭૯ જેટલી વધી છે જ્યારે પામોલીનની ટનના રૂ.૧૧૫૪થી ૧૧૫૫ જેટલી ઉંચી ગઈ છે. દરમિયાન, સોયાતેલની આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ટનના રૂ.૧૯૫થી ૧૯૬ જેટલી વધી છે.
ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થતાં અમેરિકાએ ચીન પર નવી ટેરીફ મોકૂફ રાખ્યાના સમાચાર મળ્યા છે. સામે મહાકાય દેશો વચ્ચે પાછલા ૧૭ મહિનાથી ચાલી રહેલા વેપાર યુધ્ધનો હવે અંત આવી રહ્યાનો સંકેત વહેતો થયો છે તથા નાતાલના તહેવારો પૂર્વે આના પગલે વિશ્વના વિવિધ બજારોમાં અજંપો દૂર થઈ આનંદની લાગણી વ્યાપી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૬૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૪૦થી ૧૦૫૦ તથા ૧૫ કિલોના રૂ.૧૬૭૦થી ૧૬૮૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૯૫થી ૮૦૦ તથા મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૮૫૨ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૮૫ જ્યારે રાયડા તેલના ભાવ રૂ.૮૮૫ અને રિફાઈન્ડના રૂ.૯૧૫ બોલાતા હતા.
સિંગદાણામાં આંધ્ર તથા કર્ણાટક બાજુ મથકોએ નવી આવકો શરૂ થઈ ગઈ છે. જોકે સિંગદાણામાં નીચા ભાવોએ દરીયાપારની નિકાસ માગ પણ હવે બજારમાં દેખાતી થઈ છે. દરમિયાન, અમેરિકાએ ઊ પૂર્વે ચીનની જે ચીજો પર ટેરીફ વધારી હતી તે વૃધ્ધિ પણ હવે અમેરિકા પાછી ખેંચી રહ્યાના વાવડ મળ્યા હતા. મલેશિયા તથા ઈન્ડોનેશિયા દ્વારા જાન્યુઆરીથી પામતેલની નિકાસ પર ટેક્સ વધારાઈ રહ્યાના સમાચાર હતા.