ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા
- ગીનીસ બુકમાં સ્થાન
- અગાઉ ચીઝની હરાજીમાં ૨૦૧૮માં ૨,૪૭૪ પાઉન્ડ, ૨૦૧૯માં ૨૦,૫૦૦ પાઉન્ડનો વિક્રમ નોંધાયો હતો
અમદાવાદ : ચીઝ આપણે ત્યાં રોજીંદા ખોરાકની યાદીમાં આવતી જાય છે. તાજેતરમાં વિશ્વની સૌથી મોંધી ચીઝ વેચાઇ છે. તેની કિંમતના કારણે તનેે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અધધધ..કહી શકાય એવા ૩૬ લાખ રૂપિયાની કિંમતમાં ચીઝનો એક ૨.૩ કિલોનો પીસ ઉત્તર સ્પેનના ઓસ્ટ્રીયામાં એક હરાજી દરમ્યાન વેચાયો છે.
સ્પેનમાં બહુ નામાંકીત એવી ૫૨મી ચીઝ સ્પર્ધાની યોજાઇ ત્યારે તેમાં સૌથી મોંધી ચીઝ વેચવાની હરાજીમાં સ્પેનની નવ જેટલી કંપનીઓે ભાગ લીધો હતો. ચીઝના એક ટુકડાનો ભાવ ગીનીસ બુકમાં ૨૦૧૮માં ૨,૪૭૪ પાઉન્ડનો હતો, ૨૦૧૯માં ૨૦,૫૦૦ પાઉન્ડ હતો. જોકે આ વખતે તે ભાવ વિક્રમી એવો ૩૬,૦૦૦ પાઉન્ડ પર બોલાતાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નવો રચાયો છે. એન્જલ ડિયાઝ હરેરો ફેક્ટરીમાં બનાવાયેલી ચીઝ વિશ્વમાં સૌથી મોંધી જાહેર થઇ છે. આશ્ચર્યતો એ વાતનું છે કે કેબ્રાલ્સ ચીઝ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રોકોર્ડમાં પ્રવેશી છે. ચીઝ એટલે કહેવાય દુધનો એક ટુકડો પરંતુ તે જ્યારે તેનો એક ટુકડો ૩૬,૩૦,૩૪૦ રૂપિયામાં વેચાય ત્યારે ચીઝના રસિયાઓ વધુ વિગત મેળવવા પ્રયાસ કરે તે સ્વભાવિક છે.
ગાયના દૂધમાંથી બનાવેલી ચીઝની ચકાસણી જજની પેનલે કરી હતી. આ ચીઝ સ્પર્ધામાં ૧૫ જેટલા પ્રાદેશીક ચીઝ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. હરાજીની બોલીની શરૂઆત ૩૦૦૦ પાઉન્ડથી થઇ હતી. આ ચીઝ મોંધી એટલા માટે છે કે તેને લોસમોસોઝની ગુફાની અંદર ૧૦ મહિના માટે પરિપક્વ કરવા મુકાઇ હતી.
છેલ્લા પાંચ દાયકાથી કેબ્રાલ્સ ચીઝ સ્પર્ધા ચાલે છે. કેમકે ઉત્તર સ્પેનનો આખો પ્રદેશ પરંપરાગત રીતે ચીઝનું ઉત્પાદન કરે છે. જેે ચીઝ સૌથી મોંધા ભાવે વેચાઇ તે એન્જાલ ડીયાઝ હરેરો ચીઝ ફેક્ટરી પર્વતીય ગામ ટીએલવેમાં ત્રણ દાયકા પહેલાં ઉભી કરાઇ હતી. તેના ફાઉન્ડર હવે નિવૃત થતાં તેમના પત્ની બિઝનેસ સંભાળે છે. જે દર વર્ષે ૧૦,૦૦૦ કિલો કેબ્રાલ્સ ચીઝ બનાવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીઝનું માર્કેટ ૧૦૭.૫૪ અબજ રૂપિયાનું છે જે ૨૦૩૩ સુધીમાં ૫૯૩.૪૭ અબજ રૂપિયા પર પહોંચવાની ધારણા છે. એટલેકે વર્તમાન વેચાણમાં ૧૯.૮૬ ટકાનો વધારો થઇ શકે છે.