ચન્દ્રયાન-3:અવકાશી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીના શેરભાવ ઊંચકાયા
- સ્પેસ કંપનીઓના શેરભાવમાં 11થી 23 ટકા જેટલો વધારો થયો છે
- 13 જેટલી કંપનીઓના શેરભાવમાં આવેલા ઉછાળા ઈક્વિટીઝની માર્કેટ કેપમાં 2.50 અબજ ડોલરનો ઉમેરો
મુંબઈ : ચન્દ્રયાન-૩ના લેન્ડિંગ પહેલા ભારતના અવકાશી ક્ષેત્ર સાથે સંકળાયેલી ૧૩ જેટલી કંપનીઓના શેરભાવમાં આવેલા ઉછાળાને પરિણામે વર્તમાન સપ્તાહમાં ઈક્વિટીઝની માર્કેટ કેપમાં ૨.૫૦ અબજ ડોલરનો ઉમેરો થયો હતો.
ચન્દ્રયાન-૩ને કારણે ભારતના અવકાશી કાર્યક્રમોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે એટલું જ નહીં દેશના સ્પેસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ માટે પણ વિકાસની તકો ઊભી થઈ છે.
રોકેટ સંદેશવ્યવહાર તથા નેવિગેશનમાં વપરાતા ઈલેકટ્રોનિકસ સાધનો અને મેટલ ગીઅર્સનો પૂરવઠો કરતી ૧૩ જેટલી લિસ્ટેડ કંપનીઓના શેરભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને માર્કેટ કેપમાં ૨.૫૦ અબજ ડોલરનો ઉમેરો થયો છે.
જે કંપનીઓના શેરભાવમાં વધારો જોવા મળ્યો છે તેમાં એમટાર, ભેલ, એલએન્ડટી, હિન્દુસ્તાન એરો., વાલચંદનગર ઈન્ડ., મિશ્ર ધાતુ નિગમ, લિન્ડે ઈન્ડિયા, સેન્ટમ ઈલેકટ્રોનિકસ, અવાન્ટેલનો સમાવેશ થાય છે. વર્તમાન સપ્તાહમાં આ કંપનીઓના શેરભાવમાં ૧૧થી ૨૩ ટકા જેટલો વધારો થયો છે.
ચન્દ્રયાન-૩ બાદ ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આગામી વર્ષમાં અનેક અવકાશી કાર્યક્રમો હાથ ધરવાની તૈયારીમાં છે. જેમાં વિશ્વના કેટલાક દેશો પણ જોડાવા માટે ઉત્સુક છે.