સતત બીજા મહિનેકેશ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો, ડેરિવેટિવ ટર્નઓવર નવ મહિનાની ટોચે
- ટેરિફ ચિંતાઓને કારણે બજારની દિશા અસ્પષ્ટ હોવાથી કેશ માર્કેટ વોલ્યુમ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતાઅ
અમદાવાદ : વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાં આવેલા ઘટાડા સાથે ઓગસ્ટમાં સતત બીજા મહિને કેશ સેગમેન્ટનો કારોબાર ધીમો પડયો છે પરંતુ આ સમયગાળા દરમિયાન, ડેરિવેટિવ બિઝનેસે સારી વૃદ્ધિ નોંધાવી અને ઓગસ્ટમાં વૃદ્ધિદર ડબલ ડિજિટમાં રહ્યો છે.
એનએસઈ અને બીએસઈ બંનેના રોકડ સેગમેન્ટનું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટીવી) રૂ. ૧.૦૩ લાખ કરોડ રહ્યું હતુ. આ આંકડો માસિક ધોરણે ૦.૫ ટકાનો નજીવો વધારો દર્શાવે છે જુલાઈમાં રોકડ સેગમેન્ટનો એડીટીવી ૧૬ ટકા ઘટયો હતો.
બજાર નિષ્ણાતોના મતે આ મંદ સ્થિતિનું કારણ મુખ્ય સૂચકાંકોમાં માસિક ઘટાડો છે. ઓગસ્ટમાં સેન્સેક્સમાં ૧.૭ ટકા અને નિફ્ટીમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ જેવા બ્રોડર ઈન્ડેકસો પણ અનુક્રમે ૨.૯ ટકા અને ૪.૧ ટકા ઘટયા હતા. જુલાઈમાં ઘટાડો વધુ હતો અને સેન્સેકસ-નિફ્ટી ૨.૯ ટકા ઘટયા હતા, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦માં ૩.૯ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦માં ૫.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કેશ અને ડિલિવરી વોલ્યુમ માર્કેટના પરફોર્મન્સ પર ખૂબ આધાર રાખે છે. ટેરિફ ચિંતાઓને કારણે બજારની દિશા અસ્પષ્ટ હોવાથી કેશ માર્કેટ વોલ્યુમ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. ટેરિફમાં કોઈપણ ઘટાડો બજારોને એક નવચેતના આપી શકે છે.
સામે પક્ષે, ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક્ટિવિટી વધી હતી. ફ્યુચર્સ અને ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)નું સરેરાશ દૈનિક ટર્નઓવર ૧૧.૩ ટકા વધીને રૂ. ૪૧૪.૬૧ લાખ કરોડ થયું છે. આ આંકડો નવેમ્બર, ૨૦૨૪ પછીનો સૌથી શ્રેષ્ઠ આંકડો છે.
એફ એન્ડ ઓ વોલ્યુમમાં ફેબુ્રઆરીના ૨૮૮ લાખ કરોડ રૂપિયાના તાજેતરના તળિયેથી ૪૪ ટકાનો વધારો થયો છે. જોકે સપ્ટેમ્બર ૨૦૨૪માં જ્યારે ભારતીય દલાલ સ્ટ્રીટ ઓલટાઈમ હાઈ પર હતા ત્યારના ૫૩૭ લાખ કરોડ રૂપિયાના ટોચના સ્તર કરતા ૨૩ ટકા ઓછું છે. આ ઘટાડો મુખ્યત્વે નિયમનકારી ફેરફારોને કારણે છે જેમ કે સાપ્તાહિક એક્સપાયરી ફક્ત બે કોન્ટ્રાકટ સુધી મર્યાદિત રાખવી અને નોન-બેન્ચમાર્ક ઈન્ડેકસની વીકલી એક્સપાયરી બંધ કરવા વગેરે કારણો જવાબદાર છે.
એક્સચેન્જો વચ્ચે બજારહિસ્સા માટે પણ સ્પર્ધા તીવ્ર બની છે. ડેરિવેટિવ વોલ્યુમ વૃદ્ધિમાં બીએસઈ સતત એનએસઈને પાછળ છોડી રહ્યું છે અને તેનું એફ એન્ડ ઓ સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર ૨૪ ટકા વધીને ૧૭૮ લાખ કરોડ રૂપિયા થયું છે. ઓગસ્ટમાં એનએસઈનું એડીવીટી ૩.૩ ટકા વધીને ૨૩૭ લાખ કરોડ રૂપિયા થયું હતુ.