જુલાઈમાં મ્યુચ્યુ. ફંડ પાસે કેશ હોલ્ડિંગ 18 ટકા વધી રૂ. 4 લાખ કરોડને પાર
- કેશ હોલ્ડિંગમાં વધારો સ્ટોક વેલ્યુએશનમાં વધારો, ટ્રેડ અનિશ્ચિતતા અને નવા ફંડ લોન્ચને કારણે જોવાયો
નવી દિલ્હી : જુલાઈમાં ટ્રેડ અનિશ્ચિતતાઓ અને વિવિધ નવી ફંડ ઓફરો વચ્ચે શેરબજારમાં ઊંચા મૂલ્યાંકનને કારણે મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો કુલ કેશ હોલ્ડિંગ (રોકડ ભંડોળ) પ્રથમ વખત રૂ. ૪ લાખ કરોડને વટાવી ગયું હતું. પ્રાઈમએમએફ જુલાઈનો ડેટાબેઝ દર્શાવે છે કે તે સતત બે મહિના ઘટયા પછી માસિક ધોરણે લગભગ ૧૮% વધીને રૂ. ૪.૧૬ લાખ કરોડ પહોંચી ગયું છે.
જે ફંડ હાઉસીસના રોકડ હોલ્ડિંગમાં સૌથી વધુ વધારો થયો છે તેમાં એસબીઆઈ, એક્સિસ અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ અનુક્રમે રૂ. ૧૦,૩૯૬.૧૯ કરોડ, રૂ. ૭,૯૫૨.૮૫ કરોડ અને રૂ. ૪,૪૦૪.૫૧ કરોડનો સમાવેશ થાય છે. જ્યારે ફ્રેન્કલિન ટેમ્પલટન, કેનેરા રોબેકો, પીજીઆઈએમ ઇન્ડિયા અને ડીએસપી મ્યુ. ફંડની રોકડ હોલ્ડિંગ રૂ.૪૧૯.૬૪ કરોડ અને રૂ. ૫૯૭.૮૨ કરોડની રેન્જમાં ઘટી ગઈ છે.
ઇક્વિટી સ્કીમ્સમાં, રોકડ હોલ્ડિંગ નેટ રૂ. ૨,૦૩૪.૬૧ કરોડ વધીને રૂ. ૧.૫૨ લાખ કરોડ થયું છે. ઇક્વિટી એસેટ અંડર મેનેજમેન્ટના ટકાવારી તરીકે ટ્રસ્ટ મ્યુ. ફંડ, ક્વોન્ટમ મ્યુ. ફંડ, PPFAS મ્યુ. ફંડ અને ઓલ્ડ બ્રિજ મ્યુ. ફંડમાં ૧૦.૫%-૧૨.૯૬% રોકડ હતી અને સેમકો મ્યુ. ફંડ અને મોતીલાલ ઓસ્વાલ મ્યુ. ફંડમાં લગભગ ૮% રોકડ હતી.કેટલોક વધારો ગત મહિનામાં લોન્ચ કરાયેલા ૩૦ નવી ઓફર દ્વારા પ્રેરિત થયો હતો જેમાં વિવિધ ફંડોએ રોકડ એકત્ર કરી હતી.