ભારત અને કેનેડા વચ્ચે તકરારથી થશે નુકસાન? 10 ભારતીય કંપનીઓમાં કેનેડાનું મોટું રોકાણ, 2 બેંકોનું પણ વધ્યું ટેન્શન
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ચાલતો તણાવ ચરમસીમા પર છે. જેની અસર કુટનીતિ સ્તર પર બંને દેશની વચ્ચે ચાલતા વેપાર અને રોકાણો પર પડી શકે છે. કેનેડીયન પેન્શન ફંડે ભારતની ઘણી કંપનીમાં ખુબ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.
મોટા પ્રમાણમાં બિઝનેસ પાર્ટનરશીપ ધરાવતા ભારત અને કેનેડા વચ્ચે હાલ તણાવની સ્થિતિ જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ કેનેડાએ કોઈ કારણ આપ્યા વગર જ ભારત સાથે ટ્રેડ મિશન રોકવાનું જાહેર કર્યું હતું. તેમજ ભારતે પણ કેનેડાની એક સીનીયર ડિપ્લોમેટ ઓલીવીયર સિલ્વેસ્ટરને હાંકી કાઢ્યું હતું. કુટનીતિ સ્તર પર આ બંને દેશ વચ્ચે ચાલતા તણાવની અસર હવે વેપાર પર પણ જોવા મળે છે. કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIN) દ્વારા ભારતની ઘણી કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ તણાવના કારણે આ રોકાણ પર પણ પ્રભાવ પડવાની શક્યતાઓ છે.
રૂ. 1 લાખ કરોડથી વધુ રોકાણ
કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIN) તરફથી રોકાણ મેળવનાર ભારતીય લીસ્ટેડ અને અનલીસ્ટેડ કંપનીઓનું લીસ્ટ ખુબ લાંબુ છે. જેમાં કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank), ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato), ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ પેટીએમ (Paytm) થી લઈને ટેક દિગ્ગજ વિપ્રો (Wipro) સુધી ઘણી કંપનીઓ સામેલ છે. આ ભારતીય કંપનીઓમાં CPPINનું કુલ રોકાણ અંદાજે રૂ. 1 લાખ કરોડથી વધુ છે.
કોટક મહિન્દ્રા બેંક
એક રીપોર્ટમાં કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડના રોકાણનો ડેટા દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય બેન્કિંગ સેકટરમાં વિખ્યાત કોટક મહિન્દ્રા બેંકમાં CPPIN દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આ બેંકમાં CPPINની 2 ટકા થી વધુની ઇક્વિટી અને રોકાણ બેન્ક શેરહોલ્ડીંગ પેટર્ન પ્રમાણે લગભગ રૂ. 9500 કરોડની આસપાસ છે.
ICICI બેંક
આ ઉપરાંત પ્રાઇવેટ સેકટરની ICICI બેંકને પણ કેનેડા પેન્શન ફંડ તરફથી રોકાણ મળેલું છે. રીપોર્ટ અનુસાર ICICIના અમેરિકા લીસ્ટેડ સ્ટોકમાં કેનેડા પેન્શન ફંડની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 10 મિલિયન ડોલરની આસપાસ છે.
Zomato
ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomatoમાં કેનેડા પેન્શન ફંડ દ્વારા જે રોકાણ કરવામાં આવેલ છે તે, જૂન ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર કેનેડા પેન્શન ફંડ પાસે Zomatoમાં લગભગ 2.37 ટકાનું રોકાણ છે. તેમજ તેની કિંમત વર્તમાન શેર કિંમત અનુસાર રૂ. 2078 કરોડની થાય છે.
Paytm
વિજય શેખર શર્માના નેતૃર્ત્વ હેઠળની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ પેટીએમ (Paytm) પણ CPPIN દ્વારા કરવામાં આવેલા રોકાણની કંપનીઓના લીસ્ટમાં સામેલ છે. કેનેડા ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા પેટીએમમાં રોકાણકાર તરીકે 1.76 ટકાની ભાગીદારી માટે રોકાણ કર્યું છે. તાજેતરના સ્ટોક પ્રાઈઝ પ્રમાણે આ લગભગ રૂ. 970 કરોડ થાય છે.
Wipro/Infosys
ટેકનોલોજી સેક્ટરમાં ભારત સહીત પુરા વિશ્વમાં ડંકો વગાડનારી કંપની ઈન્ફોસીસમાં અમેરિકાના લીસ્ટેડ શેર્સમાં કેનેડા પેન્શન ફંડે લગભગ 22 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત ટેક સેક્ટરમાં મોટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ભારતીય કંપની વિપ્રો (Wipro)માં ફંડની રોકાણ કિંમત અમેરિકન લીસ્ટેડ શેરમાં લગભગ 11.92 મિલિયન ડોલર છે.
Nykaa
ભારતીય ફેશન અને બ્યુટી બ્રાંડ નાયકા (Nykaa) એન્કર ઇન્વેસ્ટરના લીસ્ટમાં પણ કેનેડા ફંડ સામેલ છે. એન્કર ઇન્વેસ્ટર્સ તરીકે કેનેડા ફંડે નાયકામાં લગભગ 1.5 ટકાની ભાગીદારી કરી છે અને શેર કિંમત પ્રમાણે જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ લગભગ રૂ. 620 કરોડ જેટલી થાય છે.
Delhivery
CPPINએ જંગી રોકાણ કરીને દેશની લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર ડેલ્હીવરી, (Delhivery) માં મોટો હિસ્સો ખરીદ્યો છે. જૂન 2023 ક્વાર્ટર સુધી, ફંડનો ડેલ્હીવરીમાં કુલ 6 ટકા હિસ્સો હતો. આ ખરીદી જ્યારે કંપનીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો ત્યારે એટકે કે ગયા વર્ષે 2022માં કરવામાં આવી હતી. જો આપણે આ હિસ્સાને વર્તમાન કિમતે જોઈએ તો તે રૂ. 1800 કરોડથી વધુ છે
Indus Tower
આ કંપનીમાં પણ કેનેડા પેન્શન ફંડ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. 2.18 ટકાની હિસ્સેદારીના આધારે રૂ. 1000 કરોડથી વધુ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ છે. જો અન્ય કંપનીઓની વાત કરવામાં આવે તો પિરામલ એન્ટરપ્રાઈઝ સહીત ઘણી મોટી કંપનીઓમાં CPPINએ રોકાણ કર્યું છે અથવા તો વિવિધ સેક્ટરમાં કરાર કરેલા છે.