15 જાન્યુઆરી સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 26 ટકા સુધીની ઘટ
- મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનને કારણે સાકરના ઉત્પાદન પર જોવા મળી રહેલી અસર
મુંબઈ, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
દેશની ખાંડ મિલોએ વર્તમાન વર્ષના ૧૫ જાન્યુઆરી સુધીમાં ગયા વર્ષની સરખામણીએ ખાંડનું ઉત્પાદન ૨૬ ટકા ઓછું ઊતાર્યું છે. ૨૦૧૮ના આ ગાળા સુધીમાં ૧૪૭.૪૦ લાખ ટન ખાંડ ઉત્પન્ન થઈ હતી જ્યારે આ વર્ષે હજુસુધી ૧૦૮.૮૫ લાખ ટન્સ ખાંડ ઉત્પન્ન થઈ છે. એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા)ના આંકડા જણાવે છે.
હાલમાં દેશમાં ૪૪૦ મિલો પિલાણ કામગીરીમાં પ્રવૃત્ત છે, જ્યારે ગયા વર્ષની પિલાણ મોસમ દરમિયાન ૫૧૧ ખાંડ મિલો કાર્યરત રહી હતી. ભારતની ખાંડ મોસમ દર વર્ષના ઓકટોબરથી શરૂ થઈ સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે.
મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ સ્થિતિ ઉપરાંત રાજ્ય વિધાનસભાની ચૂંટણીને કારણે ખાંડના ઉત્પાદન પર અસર પડી છે. રાજ્યમાં સાંગલી-કોલ્હાપુર વિસ્તારમાં પડેલા ભારે વરસાદ તથા પૂરની સ્થિતિને કારણે, પિલાણ કામગીરી મોડેથી શરૂ થઈ હતી. રાજ્યમાં વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન અત્યારસુધી ૨૫.૫૧ લાખ ટન્સ રહ્યું છે જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૫૭.૨૫ લાખ ટન્સ રહ્યું હતું. મહારાષ્ટ્રની સરખામણીએ ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન સાધારણ ઊંચુ જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે માત્ર૧૩૯ ખાંડ મિલો પિલાણ કામગીરી કરી રહી છે જે ગયા વર્ષે ૧૮૯ મિલોએ કરી હતી એમ પણ ઈસ્માના આંકડા જણાવે છે.
દેશમાં ઉત્પાદિત થતી કુલ ખાંડમાંથી ૬૦ ટકા ખાંડનો વપરાશ મિઠાઈ, આઈસક્રિમ જેવા બલ્ક ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે અને તેમાં વધારો થઈ રહ્યો છે જ્યારે રિટેલ વપરાશકારો દ્વારા ખાંડનો ખાધાખોરાકીમાં ઉપયોગ ઘટી રહ્યો છે.