જીરામાં તોફાની તેજી : ભાવ 46,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા
- વાયદાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૦,૦૦૦ સુધી જવાની શક્યતા
- જીરાનો હાજર ભાવ પણ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, એક સપ્તાહમાં જીરું લગભગ ૨૦ ટકા મોંઘું થયું
અમદાવાદ : જીરૂના ભાવ ફરી વઘવા લાગ્યા છે અને તેના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. ગયા સપ્તાહની શરૂઆતમાં પ્રોફિટ બુકિંગને કારણે તેના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે તેની કિંમતો ઝડપથી વધવા લાગી છે. નિષ્ણાતોના મતે જીરું મોંઘા થવાના કારણમાં ઓછા ઉત્પાદનને કારણે ઓછા પુરવઠાની સાથે નિકાસ માંગ મજબૂત હોવાનું માનવામાં આવે છે.
૨૫ એપ્રિલે, જીરાનો મે કોન્ટ્રાક્ટ એક સપ્તાહ પહેલા પ્રોફિટ-બુકિંગને કારણે કોમોડિટી એક્સચેન્જ તૂટીને રૂ. રૂ.૩૮,૮૩૦ થયો હતો. આ પછી, તેણે સતત મજબૂતી બતાવ્યા બાદ આજે તે દિવસના ઉપલા સ્તરે રૂ. ૪૬,૨૫૦ પ્રતિ ક્વિન્ટલને સ્પર્શી ગયો છે, જે જીરાના વાયદાના ભાવની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે.
આ રીતે એક સપ્તાહમાં જીરું લગભગ ૨૦ ટકા મોંઘું થયું છે. એક સપ્તાહમાં, બેન્ચમાર્ક ઊંઝા મંડીમાં જીરાનો હાજર ભાવ રૂ. ૪૧,૦૦૦થી વધીને રૂ. ૪૫,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ થયો છે. આ કિંમત પણ અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે. પ્રોફિટ-બુકિંગને કારણે ગયા સપ્તાહે થોડા દિવસોથી જીરાના ભાવમાં ઘટાડો થયો હતો.
જો કે ગયા સપ્તાહના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોથી જ તેની કિંમતો વધવા લાગી હતી અને આ સપ્તાહે તેના વાયદાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ જીરાના વાયદાના ભાવમાં ૫ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જીરુંના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ પુરવઠો ઓછો છે કારણ કે આ વર્ષે તેનું ઉત્પાદન ઘણું ઓછું છે. ગયા વર્ષે જીરુંનું ઉત્પાદન ૬.૨૯ લાખ ટન હતું. આ વર્ષે તે ઘટીને ૩.૮ થી ૪ લાખ ટન થઈ શકે છે.
તાજેતરના વરસાદથી જીરાના આગમન પર અસર પડી શકે છે. તેના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે તેની સપ્લાય પહેલાથી જ નબળી છે. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં જીરાના વાયદાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૦ હજાર રૂપિયા સુધી જઈ શકે છે. જીરાની નિકાસ માંગ પણ મજબૂત હોવાનું કહેવાય છે. તેનાથી જીરાની કિંમત ૫૦ હજાર રૂપિયા સુધી પહોંચવામાં પણ મદદ મળી શકે છે.