આજે રજૂ થનાર બજેટ દાયકાનું સૌથી કઠીન બજેટ
- અર્થતંત્ર સામેના પડકારોની બીજી તરફ સરકારી તિજોરી પર દબાણથી સરકાર ભીંસમાં
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
અર્થતંત્ર અને આર્થિક મોરચે ઉદ્ભવેલ અનેક પડકારો વચ્ચે આવતીકાલે રજૂ થનાર બજેટ એ છેલ્લા એક દાયકાનું સૌથી અઘરું/ કઠીન બજેટ હશે. વિવિધ પ્રતિકૂળ પરિબળોના પગલે અર્થતંત્રના તમામ મહત્ત્વના ઇન્ડીકેટરો તળિયે ઉતર્યા છે તો બીજી તરફ નવા રોકાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમાં ય ગંભીર બાબત તો એ છે કે નવા રોકાણ ૧૭ વર્ષના તળિયે ઉતર્યા છે. તો બીજી તરફ અર્થતંત્રની વૃદ્ધિ દાયકાના તળિયે ઉતરી છે.
આ વખતના બજેટને સ્પર્શતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો
૧. અર્થતંત્ર :
* દેશનો જીડીપી ૫ ટકા - ૧૧ વર્ષના તળિયે.
* વપરાશ ૫.૮ ટકા - ૭ વર્ષના તળિયે
* રોકાણ માત્ર ૧ ટકા - ૧૭ વર્ષના તળિયે
* ઉત્પાદકીય પ્રવૃત્તિ ૨ ટકા - ૧૫ વર્ષના તળિયે
* કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ ૨.૮ ટકા - ૪ વર્ષના તળિયે
૨. ઊંચો ફુગાવો :
ગત ડિસેમ્બર માસમાં સીપીઆઇ- ફુગાવો વધીને ૭.૩૫ ટકા પહોંચ્યો છે. આ આંકડો તમામ લક્ષ્યાંકોથી ઘણો ઉંચો છે.
૩. નાણાંકીય ખાધ :
અર્થતંત્રમાં પ્રસરેલા સ્લોડાઉનના કારણે સરકાર ચાલુ વર્ષે નાણાંકીય ખાધનો લક્ષ્યાંક પણ ગુમાવે તેવી સંપૂર્ણ શક્યતા છે. ખાધનો આ આંકડો વધીને ૩.૮ ટકા ઉપર જશે તો આર્થિક મોરચે પ્રતિકૂળતામાં વધારો થશે.
૪. વેરાની વસુલાત :
વેરાની વસુલાતમાં તમામ મોરચે પીછેહઠ થતા સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આ સંજોગોમાં રાહતો જાહેર કરવામાં સરકારના હાથ બંધાયેલા છે.
૫. રોકાણ :
વિવિધ પ્રતિકૂળતાના કારણે નવા રોકાણ તળિયે ઉતર્યા છે તો બીજી તરફ સરકારના બોરોઇંગમાં પણ વધારો થવા પામ્યો છે.
૬. ક્રેડિટ ફ્લો :
વિતેલા વર્ષમાં બેંક ક્રેડિટ ફ્લોમાં નોંધપાત્ર ઘટાડો થતાં ૭.૧ ટકા ઉતરી આવ્યો છે. આ આંકડા દાયકામાં બીજા ક્રમનો નીચો આંકડો છે.