બીએસઈ, એનએસઈ 28, માર્ચથી T+૦ સેટલમેન્ટનો અમલ શરૂ કરશે
- સેટલમેન્ટ હેઠળ શેરોના ટ્રેડીંગ ભાવોને ઈન્ડેક્સની ગણતરીમાં અને સેટલમેન્ટ ભાવ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે નહીં
મુંબઈ : શેરબજારો બીએસઈ અને એનએસઈ ૨૮, માર્ચ ૨૦૨૪થી મર્યાદિત સંખ્યામાં સિક્યુરિટીઝમાં ટી પ્લસ શૂન્ય (T+૦) ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરશે. આ સેટલમેન્ટનો સમય સત્ર સવારે ૯:૧૫ વાગ્યાથી બપોરે ૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે.
આ ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટમાં ટ્રાન્ઝેકશન ચાર્જિસ, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ વગેરે તમામ ચાર્જિસ અને ફીઝ અત્યારે ટી પ્લસ વન સેટલમેન્ટમાં સિક્યુરિટીઝ માટે લાગુ છે એ જ લાગુ રહેશે. એવું એક્સચેન્જોએ જણાવ્યું છે. ૨૧, માર્ચના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ ઉપરાંત હવે વૈકલ્પિક ધોરણે ટી પ્લસ શૂન્ય એટલે કે ટ્રેડીંગના દિવસે જ સેટલમેન્ટના બીટા વર્ઝનને અમલી બનાવવા માળખું-ફ્રેમવર્ક જારી કર્યું હતું.
આ બીટા વર્ઝન ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ અત્યારે મર્યાદિત ૨૫ સ્ક્રિપો અને અમુક બ્રોકરો પૂરતું મર્યાદિત રહેશે એવું સેબીએ જણાવ્યું હતું. ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં ભાવ રેગ્યુલર ટી પ્લસ માર્કેટમાં ભાવથી ૧૦૦ બેઝિઝ પોઈન્ટ વધુના પ્રાઈસ બેન્ડ સાથે ઓપરેટ થશે. આ બેન્ડમાં ટી પ્લસ વન બજારમાં દરેક ૫૦ બેઝિઝ પોઈન્ટની મુવમેન્ટ બાદ એમાં ફરી કેલિબરેશન થશે. ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ હેઠળ શેરોના ટ્રેડીંગ ભાવોને ઈન્ડેક્સની ગણતરીમાં અને સેટલમેન્ટ ભાવ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે નહીં. આ સાથે ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં ટ્રેડીંગના ધોરણે સિક્યુરિટીઝના અલગથી બંધ ભાવ જાહેર થશે નહીં.
સમયાવધિ, પ્રક્રિયા અને રિસ્ક જરૂરીયાતો જે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્સ્ટીટયુશન્સ દ્વારા નિર્ધારિત કરાયેલી છે, એને અનુસરનારા તમામ રોકાણકારો ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં ટ્રેડ કરવા માન્ય રહેશે. ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલમાં અત્યારે લાગુ સર્વેલન્સ પગલાં ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં સ્ક્રિપોને પણ લાગુ થશે.