ટ્રેડિંગ વોલ્યુમ ઘટતા BSE, NSEના શેર તુટયા, ટર્નઓવર 20% સુધી ઘટયું
- જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મૂકાયા પછી BSEનો શેર ૩ જુલાઈના સ્તરથી લગભગ ૧૬ ટકા ઘટયો
અમદાવાદ : ટ્રેડિંગ વોલ્યુમ ઘટવાના કારણે બીએસઈ અને એનએસઈના શેરમાં વિતેલા સપ્તાહમાં ઘટયા હતા. હાઇ ફ્રિકવન્સી ટ્રેડર્સ પર નિયમનકારી પગલાને કારણે શેરબજારના ટર્નઓવરમાં ઘટાડો થતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
૩ જુલાઈના રોજ યુએસ ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી ડેરિવેટિવ ટર્નઓવર લગભગ ૨૦ ટકા ઘટયું છે. બીએસઈનો શેર ૩ જુલાઈના સ્તરથી લગભગ ૧૬ ટકા ઘટયો છે. આ દરમિયાન, અનલિસ્ટેડ શેર્સમાં ટ્રેડ કરતા પ્લેટફોર્મ અનુસાર, વિતેલા અઠવાડિયે અનલિસ્ટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના શેરનો ભાવ ૧૩ ટકા ઘટયો હતો.
એનએસઈના શેરનો ભાવ ઘટતા તેનું બજાર મૂલ્યાંકન ઘટીને રૂ. ૫.૪૩ લાખ કરોડ થયું છે. અગાઉ, જ્યારે એક્સચેન્જ તેની કો-લોકેશન સુવિધામાં ખામીઓ સંબંધિત લાંબા કાનૂની કેસમાં નિયમનકારો સાથે સમાધાનની નજીક હતું ત્યારે તેના આઈપીઓની આશા વચ્ચે તેનો શેર રૂ. ૨,૪૦૦ પર પહોંચી ગયો હતો.
બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે, બીએસઈ અને એનએસઈના શેરમાં તીવ્ર ઘટાડો ટૂંકા ગાળાની ઉથલપાથલ અને બદલાતી બજાર ગતિશીલતાનું મિશ્ર પરિણામ છે. ડેરિવેટિવ્ઝની સમાપ્તિમાં ફેરફારથી ખેલાડીઓ થોડા નર્વસ થયા છે. આવતા અઠવાડિયે ડેરિવેટિવ વોલ્યુમ ટ્રેન્ડ્સ પર ખાસ કરીને મંગળવાર અને ગુરુવારે ઇન્ડેક્સ ડેરિવેટિવ એક્સપાયરીઓની આસપાસ નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.