પવન હંસના ખાનગીકરણને ફટકો : સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા રદ કરવી પડી
- ૨૦૨૨માં પવન હંસને સ્ટાર ૯ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડના સમૂહને રૂ. ૨૧૧.૪૦ કરોડમાં વેચવાનો નિર્ણય થયો હતો
અમદાવાદ : હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી સરકારી કંપની પવન હંસનું ખાનગીકરણ કરવાના વર્ષોથી લંબિત પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારે સોમવારે, ૩ જુલાઈના રોજ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે પવન હંસમાં હિસ્સો વેચવાની પ્રક્રિયાને રદ કરી છે.
વાસ્તવમાં, પવન હંસના વિનિવેશમાં સૌથી સફળ બિડર 'સ્ટાર૯ મોબિલિટી' કન્સોર્ટિયમને તેની સામે પેન્ડિંગ કાનૂની કેસને કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. એકમાત્ર ઈચ્છુક ખરીદાર પણ રદ્દબાતલ ઠરતા સરકારે હિસ્સો વેચવાની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવો પડયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પવન હંસ સરકાર અને જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. સરકાર કંપનીમાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે બાકીનો હિસ્સો ઓએનજીસી પાસે છે. ગત વર્ષે એપ્રિલમાં કેન્દ્ર સરકારે પવન હંસને સ્ટાર ૯ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડના કન્સોર્ટિયમને રૂ. ૨૧૧.૪૦ કરોડમાં વેચવાનો નિર્ણય લીધો હતો.
કન્સોર્ટિયમમાં બિગ ચાર્ટર પ્રાઈવેટ લિમિટેડ, મહારાજા એવિએશન પ્રાઈવેટ લિમિટેડ અને અલ્માસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એસપીસીનો સમાવેશ થાય છે.