Get The App

શેરબજારમાં આજે બ્લેક Monday, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, 230 શેર વર્ષના તળિયે

Updated: Feb 24th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં આજે બ્લેક Monday, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, 230 શેર વર્ષના તળિયે 1 - image


Stock Market Crash: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા બાદ 807.67 પોઇન્ટ તૂટ્યો હતો. 10.39 વાગ્યે 758.10 પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22600નું લેવલ તોડી 22548.35 થયો હતો. રોકાણકારોએ વધુ રૂ. 4.09 લાખ કરોડ ગુમાવ્યા છે.

230 શેર વર્ષના તળિયે

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3771 પૈકી 998 શેર જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2609 શેર તૂટ્યા છે. જેમાં 230 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 274 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે સ્મોલકેપ અને મીડકેપ પણ 500થી વધુ પોઇન્ટ તૂટ્યા છે.

શેરબજારમાં ઘટાડા પાછળના કારણો

1. ટ્રમ્પનો ટેરિફ વોરઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરુદ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે. જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જેથી રોકાણકારો સાવચેત બન્યા છે.

2. એફઆઇઆઇની વેચવાલીઃ બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે. ગત શુક્રવારે વધુ 3449.15 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું. 

3. અમેરિકાનો નબળો ગ્રોથઃ અમેરિકાની આર્થિક ગિતિવિધિઓ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. જેના પગલે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટ્રેડ વોર નીતિના કારણે ફુગાવો વધવાની દહેશત વધી છે. ગ્રાહક માગ પણ નબળી પડી છે.

4. ટેક્નિકલી માર્કેટ ઓવરવેલ્યૂડઃ ભારતીય શેરબજાર છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત ગ્રોથ સાથે તેજીમાં રહ્યા છે. જેથી માર્કેટમાં મોટું કરેક્શન અનિવાર્ય હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોવિડ મહામારી બાદ 2025માં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે તૂટ્યા છે. 

શેરબજારમાં આજે બ્લેક Monday, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, 230 શેર વર્ષના તળિયે 2 - image

Tags :