ટ્રમ્પના ટેરિફ આતંકના પગલે શેરબજારોમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 586 પોઈન્ટ તૂટીને 80599
- નિફટી ૨૦૩ પોઈન્ટ ગબડીને ૨૪૫૬૫ : FPIs/FIIની રૂ.૩૩૬૬ કરોડની વેચવાલી
- ફરી વિશ્વ વેપાર યુદ્વના એંધાણ : અમેરિકાને લડત આપવાની ભારતની તૈયારી : હેલ્થકેર, આઈટી, મેટલ, ઓટો, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું ધોવાણ
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે આજે વૈશ્વિક શેર બજારોમાં બ્લેક ફ્રાઈડે સર્જાયો હતો. અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે ફંડો, મહારથીઓ તેજીના વેપારથી દૂર ફરી મોટાપાયે વેચવાલ બનવા લાગ્યા હતા. ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા. ભારત પર ૨૫ ટકા અમેરિકી ટેરિફનો અમલ સાત દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલો છતાં બજારમાં ગભરાટમાં વેચવાલી વધી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને ભાવો ઘટાડવા ટ્રમ્પ સરકારના ફરમાનને લઈ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં કડાકો બોલાયો હતો. આ સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. સેન્સેક્સ ૫૮૫.૬૭ પોઈન્ટ તૂટીને ૮૦૫૯૯.૯૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૦૩ પોઈન્ટ ગબડીને ૨૪૫૬૫.૩૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૦૬ પોઈન્ટ તૂટયો : ગ્લેક્સો રૂ.૨૨૪, સોલારા રૂ.૩૫, સન ફાર્મા રૂ.૭૬ તૂટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેરની ભારતની આયાતો પર અમેરિકામાં હાલ તુરત ટેરિફ લાગુ નહીં કરવાના અહેવાલ સામે ટ્રમ્પે અમેરિકામાં દવાઓના ભાવો ઘટાડવા કંપનીઓને તાકીદ કરતાં ભારતની નિકાસોને ફટકો પડવાની ધારણાએ આજે ફંડોની શેરોમાં મોટી વેચવાલી નીકળી હતી. આ સાથે સન ફાર્માના નબળા ત્રિમાસિક પરિણામે વેચવાલી થઈ હતી. ગ્લેક્સો ફાર્મા રૂ.૨૨૪.૨૫ તૂટીને રૂ.૨૯૩૩.૯૦, સોલારા રૂ.૩૫ તૂટીને રૂ.૬૦૩.૭૦, સન ફાર્માનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૦ ટકા ઘટીને રૂ.૨૨૭૯ કરોડ થતાં શેર રૂ.૭૬.૫૦ ઘટીને રૂ.૧૬૨૯.૦૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૬૧.૨૫ તૂટીને રૂ.૧૦૭૯.૭૦, આરતી ફાર્મા રૂ.૪૬.૫૫ તૂટીને રૂ.૮૬૫.૬૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૩.૩૦ ઘટીને રૂ.૪૫૨.૦૫, સનોફી રૂ.૨૮૫.૧૦ તૂટીને રૂ.૫૫૫૧.૭૦, ગ્લેન્ડ રૂ.૮૬.૩૦ ઘટીને રૂ.૧૯૭૯.૨૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૫૧.૨૫ ઘટીને રૂ.૧૨૧૯.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૦૬.૪૮ પોઈન્ટ તૂટીને ૪૪૨૬૫.૫૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં મોટું ધોવાણ : બાલક્રિષ્ન રૂ.૧૧૩, સોના રૂ.૧૩, મારૂતી રૂ.૩૩૫, ટાટા મોટર્સ રૂ.૧૭ તૂટયા
ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ અમેરિકામાં નિકાસો મુશ્કેલ બનવાના સ્પષ્ટ સંકેતે ફંડોએ આજે ઓટો શેરોમાં વેચવાલી વધારી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૨.૭૦ તૂટીને રૂ.૨૫૬૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૪૩૭.૩૦, મારૂતી સુઝુકી રૂ.૩૩૫.૧૦ તૂટીને રૂ.૧૨,૨૯૯.૩૫, ટાટા મોટર્સ રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૬૪૮.૭૫, અપોલો ટાયર રૂ.૯.૬૦ ઘટીને રૂ.૪૪૦.૬૫, ભારત ફોર્જ રૂ.૨૦ ઘટીને રૂ.૧૧૪૫.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૩૫ ઘટીને રૂ.૩૧૬૦.૨૦, એમઆરએફ રૂ.૨૩૩૬.૧૦ ઘટીને રૂ.૧,૪૫,૫૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૪૪.૪૦ પોઈન્ટ તૂટીને ૫૨૩૫૬.૯૨ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વધુ ગાબડાં : લોઈડ્સ મેટલ રૂ.૫૬, અદાણી રૂ.૮૦ તૂટયા : ટાટા સ્ટીલ, સેઈલ ઘટયા
અમેરિકાના ટેરિફના પરિણામે ભારતની એલ્યુમીનિયમ અને અન્ય મેટલની નિકાસોને અસર થવાની ભીતિએ ફંડોનું આજે સતત બીજા દિવસે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. લોઈડ્સ મેટલ રૂ.૫૬.૧૦ તૂટીને રૂ.૧૪૪૫.૬૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૦.૪૦ ઘટીને રૂ.૨૩૫૦.૫૫, સેઈલ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૨૦.૧૫, ટાટા સ્ટીલ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૫૩, નાલ્કો રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૮૦.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૩.૬૦ ઘટીને રૂ.૧૦૨૪, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૯૫ ઘટીને રૂ.૪૧૫.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૦ ઘટીને રૂ.૯૪૫.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૯૮.૬૮ પોઈન્ટ તૂટીને ૩૦૨૮૭.૦૧ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં કડાકો : ઈન્ફોબિન રૂ.૪૭, સોનાટા રૂ.૨૭ તૂટયા : ન્યુક્લિયસ, ઈન્ફોસીસ ઘટયા
અમેરિકાના વિશ્વ સામે ટેરિફ યુદ્વને લઈ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓને પણ અસર થવાના અંદાજોએ આજે આઈટી શેરોમાં ફરી મોટું ધોવાણ શરૂ થયું હતું. ઈન્ફોબિન રૂ.૪૭.૩૦ તૂટીને રૂ.૫૪૯.૧૦, સોનાટા સોફ્ટવેર રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૩૬૪.૯૦, ન્યુકલિયસ સોફ્ટવેર રૂ.૬૭.૯૦ ઘટીને રૂ.૧૦૧૫.૬૦, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૫૩.૫૫ ઘટીને રૂ.૧૧૫૩.૧૫, ઈન્ટેલેક્ટ રૂ.૪૨.૮૦ ઘટીને રૂ.૯૭૯.૧૦, જેનેસીસ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૫૮૪.૭૦, ઈન્ફોસીસ રૂ.૩૮ ઘટીને રૂ.૧૪૭૦.૬૦, વિપ્રો રૂ.૫.૫૦ ઘટીને રૂ.૨૪૨.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૨૯.૩૮ પોઈન્ટ તૂટીને ૩૪૧૭૯.૨૦ બંધ રહ્યો હતો.
રશીયા ક્રુડ મામલે ટ્રમ્પની પેનલ્ટી : એચપીસીએલ રૂ.૧૫, બીપીસીએલ રૂ.૧૨, આઈઓસી રૂ.૫ તૂટયા
ટ્રમ્પના ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવા બદલ પેનલ્ટીના નિર્ણયને લઈ ભારતે રશીયા પાસેથી ક્રુડની ખરીદી બંધ કર્યાના અહેવાલોને બજારે નેગેટીવ લેખીને ભારતનું આયાત બિલ વધવાના અંદાજોએ આજે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. એચપીસીએલ રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૪૦૩.૪૫, બીપીસીએલ રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૩૧૭.૬૦, આઈઓસી રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૪૧.૧૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૮૦.૩૦, ઓએનજીસી રૂ.૪.૧૫ ઘટીને રૂ.૨૩૬.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૧૩.૧૦ પોઈન્ટ ઘટીને ૨૬૨૮૩.૮૭ બંધ રહ્યો હતો.
પીએનબી હાઉસીંગ રૂ.૧૭૮, પ્રુડેન્ટ રૂ.૨૨૨, આઈઆઈએફએલ રૂ.૪૯ તૂટયા : મોબીક્વિક ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો, ઈન્વેસ્ટરોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ફેડરલ બેંક રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૯૫.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૭૮૩.૭૦, યશ બેંક ૩૨ પૈસા ઘટીને રૂ.૧૮.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૬૭.૫૯, બેંક ઓફ બરોડા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૩૫.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૧૪૭૧.૪૦, એક્સિસ બેંક રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૦૬૨.૬૦ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૭૮.૧૫ તૂટીને રૂ.૮૦૮.૦૫, આઈઆઈએફએલ રૂ.૪૯.૦૫ તૂટીને રૂ.૪૨૬.૯૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૨૨૧.૮૦ તૂટીને રૂ.૨૬૮૬.૩૦, નીવાબુપા રૂ.૬.૦૩ ઘટીને રૂ.૮૧.૫૪, શેર ઈન્ડિયા રૂ.૯.૩૫ ઘટીને રૂ.૧૬૫.૭૫, મોબીક્વિક રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૨૩૪.૩૫ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૩૩૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૧૮૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૩૩૬૬.૪૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૧૮૬.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
ફરી મંદીનો મહાકડાકો : સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે હેમરિંગ : ૨૭૧૮ શેરો નેગેટીવ બંધ
સેન્ટીમેન્ટ અત્યંત ડહોળાઈ જતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની ધૂમ વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૦૨થી ઘટીને ૧૨૯૭ અને ઘટનારની સંખ્યા ૨૪૧૬થી વધીને ૨૭૧૮ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૨૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૫૨ લાખ કરોડ
સપ્તાહના અંતે વૈશ્વિક બજારોની સાથે નિફટી, સેન્સેક્સમાં કડાકો બોલાતા અને સ્મોલ, મિડ, એ ગુ્રપના શેરોમાં ધૂમ વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૨૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૪.૫૨ લાખ કરોડ રહ્યું હતું.