બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ
- સંસ્થાકીય રોકાણકારોની લેવાલીથી તેજીને નોંધપાત્ર ટેકો
મુંબઈ : અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ ઘટી રહ્યાના સંકેત તથા સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વચ્ચે બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટો કરન્સીસમાં છેલ્લા ચોવીસ કલાકમાં સુધારો જોવા મળ્યો હતો. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ ૯૭૦૦૦ ડોલરને પાર કરીને બે મહિનાની ટોચે જોવાયો હતો.
ભારત, જાપાન તથા દક્ષિણ કોરિયા સાથે વેપાર કરાર થવાની શકયતા છે અને ચીન સાથે પણ વાર્તાલાપ થઈ રહ્યા હોવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૭૪૩૭ ડોલર થઈ મોડી સાંજે ૯૬૭૦૦ ડોલર કવોટ થતો હતો. બિટકોઈનની પાછળ એથરમ પણ ઊંચકાઈને ૧૮૩૧ ડોલર બોલાતો હતો. અન્ય ક્રિપ્ટોસ એકસઆરપી, બિનાન્સ, સોલાનામાં પણ આકર્ષણ જોવા મળ્યું હતું.
ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ પણ વધી ૩.૦૧ ટ્રિલિયન ડોલર પહોંચી હતી. બિટકોઈનમાં સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
એપ્રિલના નીચા મથાળેથી બિટકોઈનમાં હાલમાં ૨૮ ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. બિટકોઈન હાલમા ંતેની ૫૦, ૧૦૦ તથા ૨૦૦ દિવસની મુવિંગ એવરેજિસની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જે મતબૂત તેજીના સંકેત આપે છે.
અમેરિકાના અર્થતંત્રમાં નબળાઈને ધ્યાનમાં રાખતા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા જૂનની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી ગઈ છે.
બ્લેકરોકના બિટકોઈન ઈટીએફ દ્વારા ૨૧૧ દિવસની અંદર ૪૦ અબજ ડોલર એકત્રિત કરી લેવાયા છે. બૃહદ્ આર્થિક આશાવાદને લઈને બજારમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે.