સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા

- લિક્વિડિટી ઠાલવવાના ફેડરલ રિઝર્વના નિર્ણયથી સેન્ટિમેન્ટમાં સાવચેતીભર્યો સુધારો
મુંબઈ : નીચા મથાળે રોકાણકારોની લેવાલી નીકળતા મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં સાત ટકા જેટલો વધી ૯૪૦૦૦ ડોલરની સપાટીની નજીક પહોંચી ગયો હતો. તાજેતરની ૮૪૦૦૦ ડોલરની સપાટીએથી બિટકોઈન બાઉન્સ બેક થયો છે. બિટકોઈનમાં ઉછાળાને પરિણામે ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ વધી ૩.૧૩ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ છે.
બિટકોઈનની પાછળ અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમ પણ ૩૦૦૦ ડોલરની સપાટી પાર કરી મોડી સાંજે ૩૦૪૦ ડોલર કવોટ થતો હતો જ્યારે બિટકોઈન ૯૨૯૧૫ ડોલર બોલાતો હતો.સાત ઓકટોબરના જોવાયેલી ૧૨૬૧૯૮ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી બિટકોઈન હજુપણ ૨૫ ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૩૯૬૯ ડોલર અને નીચામાં ૮૬૪૯૦ ડોલર જોવાયો હતો.
અન્ય મુખ્ય ક્રિપ્ટો કરન્સીસ એકસઆરપી, બીએનબી, સોલાના વગેરેમાં પણ રેલી જોવા મળી હતી.
વેનગાર્ડ દ્વારા બિટકોઈન ઈટીએફ પરના પ્રતિબંધને દૂર કરાતા બિટકોઈનમાં રેલી આવી હતી. બિટકોઈન મંદીના દબાણમાંથી બહાર આવતા ક્રિપ્ટો માર્કેટમાં ગતિ આવી છે. જો કે બજારનું સેન્ટિમેન્ટ હજુ સાવચેતીભર્યુ રહ્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
બિટકોઈન ઈટીએફનું એકંદર વોલ્યુમ ૫.૧૦ અબજ ડોલરથી પણ ઊંચુ રહ્યું હતું તેને કારણે પણ ભાવને ટેકો મળ્યો છે. ૩૬૦ અબજ ડોલરનું વેચાણ કપાયું હતું.
આવતા સપ્તાહે મળી રહેલી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ હોવાને કારણે પણ જોખમી એસેટસમાં ખેલાડીઓની લેવાલી નીકળી હતી.
ફેડરલ રિઝર્વ કવોન્ટિટેટિવ ટાઈટનિંગ પ્રોગ્રામ અટકાવી દેવાના તથા બજારમાં લિક્વિડિટી ઠાલવવાના લીધેલા નિર્ણયને કારણે પણ ક્રિપ્ટોસમાં ઉછાળો આવ્યો છે. ફેડરલના નિર્ણયને કારણે ટૂંકા ગાળે નાણાંકીય સ્થિરતા જોવા મળવા બજારને અપેક્ષા છે.
બજારમાં તેજીનું માનસ ફરી સર્જાતા બિટકોઈનમાં વી આકારની રેલી જોવા મળી હોવાનું પણ એનાલિસ્ટે ઉમેર્યું હતું.

