Get The App

પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે

- ૨.૪૩ ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ સાથે બિટકોઈન ગુગલથી આગળ : પાંચમી મોટી એસેટ્સ બની

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે 1 - image


મુંબઈ : અમેરિકામાં નબળા ફુગાવાને પરિણામે વ્યાજ દરમાં ઘટાડાની વધી ગયેલી શકયતા, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રિપ્ટો કરન્સીસ માટે સાનુકૂળ નીતિ તથા ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહેલા અમેરિકન શેરબજારના ઈન્ડેકસોએ ક્રિપ્ટોકરન્સીસમાં પણ રોકાણકારોનું માનસ સુધાર્યું છે જેને પરિણામે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા ચોવીસ કલાકમાં મોટા ઉછાળા સાથે ૧૨૪૧૫૦  ડોલરની નવી વિક્રમી સપાટી દર્શાવી છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ રેલી જોવા મળી છે. આ અગાઉ બિટકોઈને ૧૨૩૨૦૫  ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. 

ગુરુવારની રેલીને પગલે બિટકોઈન માર્કેટ કેપના દ્રષ્ટિકોણથી ગુગલથી આગળ નીકળી ગયો છે. ગુગલની ૨.૪૦ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપને પાર કરી બિટકોઈન પાંચમી મોટી એસેટ બની ગઈ છે. બિટકોઈનની માર્કેટ કેપ ૨.૪૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

કોર્પોરેટસ, સંસ્થાકીય રોકાણકારો તથા સોવેરિન પેઢીઓ દ્વારા પણ બિટકોઈનમાં ખરીદી નીકળતા ભાવને ટેકો મળ્યો છે. ટ્રમ્પના વહીવટીતંત્ર  દ્વારા નિયમનકારી બદલાવથી ડિજિટલ એસેટસના સ્વીકારને પ્રોત્સાહન મળી રહ્યું છે.  ક્રિપ્ટોકરન્સી કંપનીઓ સાથે કામ કરવા સામે બેન્કો પર અગાઉ મુકાયેલા પ્રતિબંધોને ટ્રમ્પે દૂર કર્યા છે.

ટ્રમ્પના મીડિયા જૂથ તથા ટેસ્લા જેવી મોટી કંપનીઓ દ્વારા બિટકોઈનની ખરીદીથી બિટકોઈનમાં માગ નીકળતા રેલીને ટેકો મળ્યો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.  અમેરિકામાં જુલાઈનો ફુગાવો અપેક્ષા કરતા નીચો રહેતા સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા વધી ગઈ છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૧૯૯૯૩ ડોલર અને ઊંચામાં ૧૨૪૧૫૩ ડોલર થઈ મોડી સાંજે ૧૨૧૬૫૬ ડોલર મુકાતો હતો. અન્ય ક્રિપ્ટોસ એથરમ એક ટકા જેટલો વધી ૪૭૪૬ ડોલર મુકાતો હતો. આ ઉપરાંત બિનાન્સ, સોલાનામાં પણ આકર્ષણ રહ્યું હતું. 

અમેરિકાના મૂડી બજારની રેલી ક્રિપ્ટો માર્કેટસને ટેકો આપી રહી છે. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં રોકાણકારો અન્યત્રથી રોકાણ પાછા ખેંચી ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાં નાણાં ઠાલવતા હોય છે. ગુરુવારની રેલીને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કટ કેપ  ૪.૧૫ ટ્રિલિયન ડોલરથી પણ ઉપર જોવા મળી હતી. વર્તમાન વર્ષમાં બિટકોઈને ૩૨ ટકા વળતર પૂરું પાડયું છે. 

Tags :