Get The App

બિટકોઈનમાં 1,18,000 ડોલરની નવી ટોચ: મંદીવાળા ઉંંઘતા ઝડપાયા

- અચાનક તેજીથી ક્રિપ્ટોસમાં એક અબજ ડોલરથી વધુનું શોર્ટ સેલ ફરજિયાત લિક્વિડેટ કરાયું

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
બિટકોઈનમાં 1,18,000 ડોલરની નવી ટોચ: મંદીવાળા ઉંંઘતા ઝડપાયા 1 - image


મુંબઈ : મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં અચાનક આવેલી તેજીને પરિણામે ક્રિપ્ટોમાં મંદીવાળા ઉંઘતા ઝડપાઈ ગયા છે અને જંગી નુકસાની વેઠવી પડી છે. છેલ્લા ૨૪ કલાકમાં મુખ્ય ક્રિપ્ટો  બિટકોઈનમાં ૭૫૦૦ ડોલરના ઉછાળા સાથે ભાવ ૧૧૮૦૦૦ ડોલરની સપાટી કુદાવીને નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો.

ક્રિપ્ટોકરન્સીમાં હાલમાં કોઈ પોઝિટિવ પરિબળો કરતા અમેરિકન ચલણ ડોલરમાં નબળાઈ ક્રિપ્ટો કરન્સીની વર્તમાન તેજી માટે જવાબદાર હોવાનું એનાલિસ્ટો માની રહ્યા છે. બિટકોઈનમાં એક જ દિવસમાં જંગી ઉછાળાને પરિણામે  ક્રિપ્ટોસમાં મંદી વાળા ઝડપાઈ ગયા હતા અને અંદાજે ૧.૧૩ અબજ ડોલરની પોઝિશનને ફરજિયાત લિક્વિડેટ કરવાનો વારો આવ્યો હતો. ૧.૧૩ અબજ ડોલરમાંથી ૧.૦૧ અબજ ડોલર શોર્ટ સેલિંગ હતું. બિટકોઈન ઉપરાંત એથરમમાં પણ મંદીવાળા અટવાઈ ગયાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું.

લિક્વિડેશનને કારણે શોર્ટ સેલિંગમાં ૧.૦૧ અબજ ડોલરનું ધોવાણ ૨૦૨૫માં અત્યારસુધીનું સૌથી મોટું ધોવાણ હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં ક્રિપ્ટોસને લઈને હકારાત્મક નીતિ તૈયાર થઈ રહી હોવાના અહેવાલે પણ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. બિટકોઈનમાં ઓલટાઈમ હાઈ બાદ અન્ય ક્રિપ્ટોસ એથરમ, એકસઆરપી, ડોજકોઈન તથા સોલાનામાં પણ તેજી જોવા મળી છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૧૧૮૨૯૫ડોલર અને નીચામાં ૧૧૦૬૬૫ડોલર થઈ મોડી સાંજે ૧૧૭૦૦૦ ડોલર બોલાતો હતો. ગયા વર્ષના નવેમ્બરમાં ૭૦,૦૦૦ ડોલરથી નવ મહિનાના ગાળામાં બિટકોઈનમાં ૬૮ ટકા રેલી સાથે ૧,૧૮,૦૦૦ ડોલરનો ભાવ જોવા મળ્યો છે.

 જૂનના અંતિમ સપ્તાહથી અત્યારસુધીમાં બિટકોઈન  સ્પોટ   ઈટીએફસમાં અંદાજે એક અબજ ડોલરથી વધુનો ફલો આવ્યો છે. 

ક્રિપ્ટો કરન્સી માર્કેટને લઈને ટ્રમ્પ સરકાર સાનુકૂળ નીતિ  તૈયાર કરી રહી છે અને નવા નિયમનો લવાશે તેવી રોકાણકારો આશા રાખી રહ્યા છે.  ક્રિપ્ટો એકસચેન્જ કોઈનબેસનો એસએન્ડપી ૫૦૦ ઈન્ડેકસમાં સમાવેશ થયો છે જેને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 

Tags :