ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર
- ટ્રમ્પની ક્રિપ્ટો કરન્સી તરફી નીતિથી રોકાણકારોના વિશ્વાસમાં વધારો
મુંબઈ : છેલ્લા ચોવીસ કલાકમાં મક્કમપણે આગળ વધી મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈને તેની અગાઉની વિક્રમી સપાટી તોડી ૧૧૧૯૮૮ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. આ અગાઉ વર્તમાન વર્ષના મેમાં બિટકોઈનનો ઓલટાઈમ હાઈ ભાવ ૧૧૧૯૭૦ ડોલર જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષના પ્રારંભથી અત્યારસુધીમાં રોકાણકારોનું બિટકોઈનમાં ૧૯ ટકા જેટલું ંવળતર છૂટયું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને પરિણામે માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન છેલ્લા કેટલાક સમયથી રેન્ડ બાઉન્ડ રહ્યા કરતી હતી.
બિટકોઈનમાં નવો ઊંચો ભાવ જોવા મળવાના કેટલાક કારણોમાં એક કારણ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારો દ્વારા જંગી ઈન્ફલોસ રહ્યું છે. જૂનના અંતિમ ભાગથી અત્યારસુધીમાં બિટકોઈ ઈટીએફસમાં અંદાજે એક અબજ ડોલરથી વધુનો ફલો રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીસને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર સાનુકૂળ નીતિ ધરાવી રહ્યું છે અને નવા નિયમનો લવાશે તેવી ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે. બિટકોઈનને અમેરિકાના રિઝર્વનો હિસ્સો બનાવવાનો માર્ગ મોકળો કરતા એક ઓર્ડર પર ટ્રમ્પે માર્ચમાં સહી કરી હતી.
બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ તથા સોલાનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. એથરમ વધીને ૨૭૭૬ ડોલર જ્યારે સોલાના ૧૫૮ ડોલર કવોટ થતો હતો. ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ વધી ૩.૪૭ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.