Get The App

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ 1 - image


Bitcoin Prices: વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇને આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જે આજે એક કરોડ રૂપિયાનું લેવલ ક્રોસ થતાં અન્ય રોકાણ સ્રોતો (સોના-ચાંદી, કોઈપણ કંપનીનો શેર, ક્રૂડ વગેરે)ની તુલનાએ વિશ્વનું સૌથી મોઘું રોકાણ બન્યું છે. બિટકોઇન આજે 118856.47 ડૉલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધતાં બિટકોઇન સહિત અમુક ટોચની ક્રિપ્ટો કરન્સી રૅકોર્ડ સ્તરે પહોંચી છે.

સંસ્થાકીય રોકાણકારો દ્વારા વધતી માગ અને અમેરિકામાં બિટકોઇન ETFમાં રૅકોર્ડ રોકાણના કારણે બિટકોઇને આજે રૂ. 1.02 કરોડનું લેવલ વટાવ્યું છે. 

બિટકોઇનમાં આકર્ષક તેજી

વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે કિંમતી ધાતુ અને ક્રિપ્ટોમાં રોકાણ સતત વધી રહ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. સોના અને ચાંદીનો ભાવ પણ રૂ. 1 લાખની સપાટીએ ક્વોટ થઈ રહ્યો છે. જ્યારે મોટાભાગના તમામ રોકાણ માધ્યમોમાં બિટકોઇનની કિંમત સૌથી વધુ રૂ. 1 કરોડે પહોંચી છે. ક્રિપ્ટો કરન્સીમાં કોન્સોલિડેશન બાદ બુલિશ સેન્ટિમેન્ટ અને સંસ્થાકીય રોકાણકારોની માગને કારણે બિટકોઇનમાં ફરી તેજી આવી છે. ટ્રમ્પ સરકારની ક્રિપ્ટો સમર્થક નીતિઓના કારણે ક્રિપ્ટો કરન્સીમાં સેન્ટિમેન્ટ સુધર્યા છે. તેમણે બિટકોઇન રિઝર્વ તેમજ ઈટીએફ અપ્રુવલ નિયમોમાં રાહત આપી છે.

નબળો ડૉલર, વધતી ટ્રેઝરી માગ, અને સોવરિન ક્રેડિટમાં ઘટાડો સહિતના પરિબળોના કારણે પણ બિટકોઇન એક સુરક્ષિત વૈકલ્પિક રોકાણ તરીકે ઉભરી આવ્યું છે. કોઇનબેઝ પણ S&P 500માં સામેલ થતાં ક્રિપ્ટોને એસેટ ક્લાસ તરીકે માન્યતા મળી રહી હોવાના દરવાજા ખુલ્યા છે. 

ક્રિપ્ટો માર્કેટ કેપ 243 અબજ ડૉલર વધી

ટોચની બીજા નંબરની ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમમાં બિટકોઇન જેવી તેજી જોવા મળી નથી. હજી તે 3000 ડૉલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની રૅકોર્ડ ટોચ 4891.70 ડૉલરથી 38.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં તેમાં 17.94 ટકા ઉછાળો જોવા મળ્યો છે. આજે XRP 8.28 ટકા, BNB 2.88%, સોલાના 4.48 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહી છે. એકંદરે ક્રિપ્ટો માર્કેટમાં વોલ્યુમ વધતાં માર્કેટ કેપ 243.97 અબજ ડૉલર વધી 3.68 લાખ કરોડ ડૉલર થઈ છે.

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ 2 - image

Tags :