Get The App

બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર

- લિક્વિડેશનને કારણે ખેલાડીઓનું માનસ ખરડાયું

- ઈટીએફમાં આઉટફલોથી પણ થયેલી પ્રતિકૂળ અસર

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર 1 - image


મુંબઈ : વર્તમાન વર્ષના ઓકટોબરમાં બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોેકરન્સીઝમાં જોવા મળેલી જોરદાર રેલીના વળતા પાણી જોવા મળી રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને એક લાખ ડોલરની  સપાટી ગુમાવી હતી. વર્તમાન વર્ષના જૂન બાદ બિટકોઈને પહેલી વખત એક લાખ ડોલરની નીચેનો ભાવ દર્શાવ્યો હતો. બિટકોઈનની પાછળ એથરમમાં પણ પીછેહટ જોવા મળી હતી. એકંદર માર્કેટ કેપમાં પણ ધોવાણ ચાલુ રહ્યું હતું. 

ઓકટોબરમાં રેલીના સમયે મંદીવાળાના ફરજિયાત લિક્વિડેશન આવતા બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયુ હતું અને ત્યાંથી વળતા પાણી શરૂ થયા હતા. 

બિટકોઈન ફ્યુચર્સમાં લેણની સ્થિતિ ઘણી જ નીચા સ્તરે જોવા મળી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતથી ફન્ડિંગ કોસ્ટ ઘટી જવા છતાં, બહુ ઓછા ખેલાડીઓ હાલના તબક્કે ફરી પ્રવેશ કરી રહ્યા છે. 

વોલેટિલિટીને પરિણામે મંગળવારે લોન્ગ અને શોર્ટ બન્નેનું મળીને એકંદર લિક્વિડેશન એક અબજ ડોલર જેટલું જોવા મળ્યું હતું.  ગયા મહિનાની ૧૦મીએ ૧૯ અબજ ડોલરનું લિક્વિડેશન જોવા મળ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૯૯૦૭૪ ડોલરની સપાટીએ ગયા બાદ બિટકોઈન ફરી રિબાઉન્સ થયો હતો. મોડી સાંજે બિટકોઈન ૧,૦૧,૮૦૦ ડોલર કવોટ થતો હતો. એથરમનો ભાવ  નીચામાં ૩૧૦૩ ડોલર થઈ ૩૩૦૦ ડોલર કવોટ થતો હતો. 

એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસમાંથી આઉટફલોસને કારણે સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ ધીમી પડવાને કારણે પણ બિટકોઈનમાં એક મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચીને અમેરિકાના માલસામાન પરની વધારાની ટેરિફ એક વર્ષ સુધી મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ બન્ને દેશો વચ્ચે વેપાર તાણ હળવી થવાના સંકેતે બિટકોઈનમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી. 

ક્રિપ્ટોકરન્સીઝમાં ઘટાડાને કારણે એકંદર માર્કટ કેપમાં ધોવાણ ચાલુ રહ્યું હતું અને માર્કેટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં બે ટકાથી વધુ ઘટી ૩.૩૮ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 

Tags :