WazirXના રોકાણકારોનો જીવ અદ્ધરતાલ : Binanceએ કહ્યું અમે માલિક નથી
અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવાર
ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ અને બિનાન્સ વચ્ચેનો તકરાર હવે રોકાણકારો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી અને એક્સચેન્જના માલિકી હક્ક અંગે બંને કંપનીના વડા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.
વોલ્યુમનની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સના સીઇઓએ કહ્યું કે અમે ક્રિપ્ટો કરન્સીના માલિક નથી અને જે સેવાઓ આપી રહ્યાં છીએ ભારતીય એક્સચેન્જને તે પણ બંધ કરી રહ્યાં છે. તેવામાં સામે પક્ષે વઝીરએક્સના સ્થાપક, સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ કહ્યું કે એક્સચેન્જની માલિકી બિનાન્સ પાસે છે. અમારી પાસે આ અંગેના જરૂરી દસ્તાવેજો છે, જે અમે યોગ્ય સમયે જાહેર કરીશું.
આ સમગ્ર મામલો ઈડીના દરોડા અને માલિકી હક્ક અંગે ઉભા થઈ રહેલ સવાલના જવાબમાં વોલ્યુમ દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ ચાંગપેંગ ઝાઓ(Changpeng Zhao)એ ટ્વિટ કરી સ્પષ્ટતા કરી કે વઝીરએક્સનું સંચાલન કરતી એન્ટિટી ઝનમાઈ લેબ્સમાં બાઈનન્સની કોઈ પણ ઈક્વિટી હિસ્સેદારી નથી.
CZ તરીકે પ્રખ્યાત ઝાઓના આ નિવેદન બાદ ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ WazirXના સહ-સ્થાપક અને CEO નિશ્ચલ શેટ્ટીએ કહ્યું કે અમારી પાસે આ અંગે પુરતા પુરાવા છે.
Binance દ્વારા નવેમ્બર 2019માં એક બ્લોગ પોસ્ટમાં WazirXના "હસ્તાંતરણ"ની જાહેરાત કર્યાના અઢી વર્ષ પછી આ સમગ્ર મામલો ઉઠી રહ્યો છે. CZએ તે સમયે કહ્યું હતું કે "WazirXનું સંપાદન ભારતીય લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સમર્પણ દર્શાવે છે અને ભારતમાં પૈસાની આઝાદીની સાથે બ્લોકચેન ઇકોસિસ્ટમને મજબૂત કરનારૂં આ પગલું છે.
જોકે હવે ઝાઓએ દાવો કર્યો કે સોદો ક્યારેય થયો જ ન હતો. બિનાન્સ પાસે ક્યારેય વઝીરએક્સનું સંચાલન કરતી એન્ટિટી Zanmai લેબ્સના કોઈપણ શેરની માલિકી ધરાવતું નથી. Binance માત્ર WazirX માટે ટેક સોલ્યુશન તરીકે વોલેટ સેવાઓ આપે છે. WazirXએ WazirX એક્સચેન્જના અન્ય તમામ પાસાઓ માટે જેમકે યુઝર સાઇન-અપ, KYC, ટ્રેડિંગ અને વીથડ્રોઅલ જેવી સર્વિસ માટે જવાબદાર છે" તેમ CZએ ટ્વિટર થ્રેડમાં જણાવ્યું છે.
શનિવારે ઝાઓએ WazirX યુઝર્સને તેમના ફંડને Binanceમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. અમે WazirX વોલેટને ટેક લેવલ પર બંધ કરી શકીએ છીએ પરંતુ અમે તે નથી કરી રહ્યાં ના કરીશું" તેમ ઝાઓએ ઉમેર્યું હતુ.