Silver Price Crash : સોના-ચાંદીમાં બુલ રન વચ્ચે આજે ચાંદીએ ઐતિહાસિક 2,54,000ની સપાટી કૂદાવી હતી. જેના બાદ અચાનક જ બજારમાં વેચવાલી આવતા ચાંદીમાં એક જ દિવસમાં ઐતિહાસિક 21,054 રુપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. આ આંકડા વાયદા બજાર (MCX) આધારિત છે.
ચાંદીમાં જોરદાર કડાકો
સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રૅકોર્ડ તોડતાં 2,54,174ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગઈ હતી. ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન એમસીએક્સ પર ચાંદીમાં એકઝાટકે 21,054 રૂપિયાનો કડાકો બતાવ્યો હતો. આ કડાકો પ્રોફિટ બુકિંગને કારણે આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ચાંદી 2,37,669 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.
સોનામાં પણ કડાકો
જ્યારે બીજી બાજુ સોનામાં પણ અચાનક જ મોટો કડાકો આવ્યો હતો. સોનું આજે એક જ દિવસમાં 2,798 રૂપિયા જેટલો તૂટ્યું હતું. આંકડા આધારિત વાત કરીએ તો ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રૅકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 1,39,873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરુઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતાં સોનાએ 1,40,444 રૂપિયાની સપાટીનો નવો રૅકોર્ડ બનાવ્યો હતો. જોકે દિવસના ટ્રેડ દરમિયાન જ અચાનક જ સોનામાં કડાકો આવતાં 2,798 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને તે 1,37,646 રૂપિયાના આજના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
અચાનક કડાકો કેમ?
ચાંદી અને સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે અચાનક આવેલા આ કડાકાના કારણો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમતમાં વધ-ઘટ જોવા મળી રહી છે. બીજી બાજુ પ્રોફિટ બુકિંગ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તથા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત થઈ છે જેનાથી યુદ્ધનો અંત આવી તેવી ચર્ચાઓ પણ છે જેના લીધે બજારના સેન્ટીમેન્ટ પણ અસર દેખાઈ છે. નિષ્ણાતો કહે છે કે ચાંદીમાં ટ્રેન્ડ જળવાઈ રહેશે પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે વધ-ઘટ થતી રહેશે.
નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે?
નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રૅરેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 3,00,000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,60,000ને પાર થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ચાંદીમાં નવી રૅકોર્ડ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગનો દોર જોવાઈ શકે છે. સોનામાં પણ આવી જ સ્થિતિ દેખાશે પરંતુ લાંબા ગાળે બંને ધાતુઓ ફરી એકવાર નવી ટોચે પહોંચે તેવી શક્યતા છે.


