GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી
- તહેવારોની મોસમ પહેલાનો આ ફેરફાર ઓટો ક્ષેત્રને વેગ આપવામાં મદદરૂપ સાબિત થશે
નવી દિલ્હી : ઓટોમોબાઈલ કંપનીઓએ જીએસટી દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને તાત્કાલિક આપવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ભાવમાં મોટો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ઓટો ક્ષેત્રની મોટાભાગની કંપનીઓ કારની કિંમતમાં રૂ.૩૦,૦૦૦ થી ૭.૮ લાખ સુધીનો ઘટાડો કર્યો છે.
જીએસટી દરમાં ઘટાડા બાદ ઓટો ક્ષેત્ર માટે વર્ષની સૌથી મોટી વેચાણ સીઝન શરૂ થવાની છે. વાહનોની કિંમતમાં ઘટાડો વેચાણને સારો વેગ આપી શકે છે. મારુતિ સુઝુકીને અંદાજ છે કે નાની કાર સેગમેન્ટમાં ૧૦% વૃદ્ધિ થઈ શકે છે, જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સુસ્તીને દૂર કરશે. દરમાં ઘટાડા બાદ વાહનો વધુ સસ્તા પહેલી વાર કાર અને ટુ-વ્હીલર ખરીદનારાઓને મોટી રાહત થશે.કોમર્શિયલ વાહનોના ભાવમાં ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને ફ્લીટ ઓપરેટરોને રાહત મળશે, જેઓ હાલમાં વધતા ઇંધણ ખર્ચને કારણે દબાણનો સામનો કરી રહ્યા છે.
સરકારે નાના વાહનો પર ટેક્સ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે ૪ મીટર સુધીની લંબાઈવાળા વાહનો અને પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજી એન્જિન પર ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે ઓછો થશે.
અગાઉ, ૨૮% GST ની સાથે, આ વાહનો પર વળતર સેસ પણ ચૂકવવો પડતો હતો. પેટ્રોલ, સીએનજી અને એલપીજી એન્જિન (૧૨૦૦બબ સુધી) વાળા વાહનો પર કુલ ટેક્સ ૨૯% હતો. તે જ સમયે, ડીઝલ એન્જિન (૧૫૦૦બબ સુધી) વાળા વાહનો પરનો ટેક્સ ૩૧% સુધી પહોંચી ગયો છે.
નવી સિસ્ટમમાં, સરકારે વળતર સેસ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે અને જીએસટી ઘટાડીને ફક્ત ૧૮% કરી દીધો છે. એટલે કે, હવે આ વાહનો પર કુલ ટેક્સ ફક્ત ૧૮% રહેશે. આનાથી ખરીદદારોને મોટી રાહત મળશે. પેટ્રોલ, સીએનજી અને એલપીજી કાર પર ૧૧% સુધીની બચત થશે, જ્યારે ડીઝલ કાર પર ૧૩% સુધીનો લાભ મળશે.
તહેવારોની મોસમ પહેલાનો આ ફેરફાર કાર બજારને વેગ આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.