Get The App

મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા

- કેટલાક શેરોએ તેમના આઈપીઓ મૂલ્યના ૯૦ ટકાથી વધુ ગુમાવ્યા : ૨૦૨૧ પછી આઈપીઓ બજારમાં ક્રેઝ નુકસાનકારક પુરવાર થયો

- રોકાણકારોએ આઈપીઓને નફા માટે માત્ર એક 'શોર્ટકટ' તરીકે જોવાનું રાખ્યું

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા 1 - image


અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાયમરી (આઈપીઓ) બજારમાં જે પ્રકારનો જુસ્સો અને ક્રેઝ જોવા મળ્યો છે તે ભારતીય શેરબજારના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. ૨૦૨૧થી ૨૦૨૪ની વચ્ચે, રોકાણકારોએ આઈપીઓને નફા માટે માત્ર એક 'શોર્ટકટ' તરીકે જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે તે જ આઈપીઓ રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૨૮૦ કંપનીઓએ આઈપીઓ  રજુ કર્યા હતા, જેમાંથી ઘણી કંપનીઓને જબરદસ્ત સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. પરંતુ આજની તારીખે, ડઝનબંધ કંપનીઓના શેર તેમના ઇશ્યૂ ભાવથી ૫૦%થી વધુ ઘટયા છે. આમાંથી કેટલાકમાં તો ૯૭ ટકાનું નુકસાન થયું છે.

આ નુકસાનનું સૌથી મોટું ઉદાહરણ એજીએસ  ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ છે, જેણે જાન્યુઆરી ૨૦૨૨માં પ્રતિ શેર રૂ. ૧૭૫ના ભાવે આઈપીઓ લોન્ચ કર્યો હતો. તે સમયે, આ આઈપીઓને ૭.૮ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું એટલે કે રોકાણકારોનો વિશ્વાસ તેની ટોચ પર હતો. પરંતુ આજે આ જ શેર રૂ.૫ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારે આ આઈપીઓમાં રૂ.૧ લાખનું રોકાણ કર્યું હશે, આજે તેનું મૂલ્ય ફક્ત રૂ. ૩,૨૦૦ છે. આને ભારતીય આઈપીઓ ઇતિહાસમાં સૌથી મોટા ખોટ કરતા લિસ્ટિંગમાં ગણી શકાય.

એજીએસ  ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ એકમાત્ર ઉદાહરણ નથી. તાજેતરમાં આઈપીઓ લાવનાર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સવસીસનો શેર પણ રૂ.૨૯૫ના ઇશ્યૂ ભાવથી ૫૫% ઘટી ૧૩૩ ઉતરી આવ્યો છે. બીજી બાજુ, જો મોટા નામોની વાત કરીએ તો, પેટીએમ, સ્ટાર હેલ્થ, ડ્રીમફોક સર્વિસ જેવી કંપનીઓએ પણ રોકાણકારોને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. આ કંપનીઓ એક સમયે ચર્ચાનું કેન્દ્ર હતી, તેમની 'થીમ' અને 'ટેકનોલોજી' લોકોને આકર્ષતી હતી, પરંતુ જ્યારે નફાની વાત આવી, ત્યારે બધું જ ઝાંખું પડી ગયું. આ આઈપીઓમાં એક સામાન્ય પેટર્ન જોવા મળે છે.

ઇશ્યૂ સમયે કંપનીના નાણાકીય આંકડાઓ વધુ પડતા હતા. કંપનીઓ પાસે કોઈ મજબૂત બિઝનેસ મોડેલ નહોતું, પરંતુ માર્કેટિંગ એટલું મજબૂત હતું કે રોકાણકારો લલચાઈ ગયા હતા. પેટીએમ આનું ઉત્તમ ઉદાહરણ છે, શરૂઆતમાં આ શેરની કિંમત રૂ. ૨,૧૫૦ હતી, પરંતુ આજે તે રૂ. ૧૦૫૨ છે. 

બજારના નિષ્ણાંતો કહે છે કે જ્યારે પણ તમે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારો છો, ત્યારે ચોક્કસપણે કંપનીનો કમાણી રિપોર્ટ, વ્યવસાય પદ્ધતિ, મેનેજમેન્ટની વિશ્વસનીયતા અને કંપની જે ક્ષેત્રમાં કામ કરી રહી છે તેની સ્થિતિ તપાસો. જો તમે ફક્ત એટલા આધારે પૈસા રોકાણ કરી રહ્યા છો કે ઘણા લોકો આઈપીઓમાં રોકાણ કરીરહ્યા છે અથવા તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ ઊંચો છે, તો તે ભાવનાત્મક નિર્ણય છે, વિચારશીલ રોકાણ નથી.

કેટલાક આઈપીઓમાં મોટું નુકસાન થયું છે, તેમ છતાં સમગ્ર સેગમેન્ટને ખરાબ કહી શકાય નહીં. રિપોર્ટ સૂચવે છે કે ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં રૂ. ૧.૫ લાખ કરોડથી વધુ મૂલ્યના આઈપીઓ આવી શકે છે. પરંતુ આ વખતે રોકાણકારોએ સાવધ રહી સમજી વિચારી રોકાણ કરવું જોઈએ.


Tags :