શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો
સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 1.25ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા
સેન્સેક્સ 66,800 અને નિફ્ટી 19,901ના સ્તરે બંધ થયો
Stock Market Crash: શેરબજારમાં આજે મોટો ઘટાડો થયો હતો અને જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ (sensex) લગભગ 800 પોઈન્ટ ઘટીને 67 હજારની નીચે આવી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,728 પોઈન્ટ દિવસની સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય નિફ્ટી (Nifty) પણ 238 પોઈન્ટ ઘટીને 19,895 પોઈન્ટના નીચા સ્તર પર પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 1.25ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સેન્સેક્સ 796 અને નિફ્ટી 231 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો
આજે શેરબજારમાં મોટો ઘટાડો થતા સેન્સેક્સ 796 પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી 231 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સાથે સેન્સેક્સ 66,800 અને નિફ્ટી 19,901ના સ્તરે બંધ થયો હતો. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રુપિયા 2.95 લાખ કરોડ ઘટીને રુપિયા 320.04 લાખ કરોડ થયું છે. આજે US ફેડરલ રિઝર્વની બેઠક પહેલા નબળા સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આજે સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ નીચા ખુલ્યા હતા કારણકે US બોન્ડની ઉપજ અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલા 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી.
સેન્સેક્સના માત્ર 7 શેર જ પોઝિટિવ રહ્યા જ્યારે નિફ્ટીના 40 શેરો ઘટ્યા
આજે બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી હતી ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર જ પોઝિટિવ ટ્રેડ કરતા જોવા મળ્યા હતા જ્યારે 23 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેકિંગ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય જો નિફ્ટીની વાત કરવામાં આવે તો 50 શેરોમાંથી 40 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 10 શેરો થોડા પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા હતા.