21 વર્ષની થતાં જ દીકરીને મળશે રૂ. 71,00,000, જાણો સરકારી યોજનામાં કેટલું કરવું પડશે રોકાણ
Image Source: Twitter
SSY Scheme Benefits: સરકાર દ્વારા દીકરીઓની સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આર્થિક સુરક્ષાની વાત કરીએ તો મોદી સરકારની એક યોજના ખૂબ જ લોકપ્રિય છે, જે દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચની વ્યવસ્થા કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. અમે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં નિયમિત રોકાણ કરવાથી દીકરીને 71 લાખ રૂપિયા મળી શકે છે. તો ચાલો આ યોજનામાં મળતા વ્યાજ સહીત અન્ય લાભો વિશે વિગતવાર જાણીએ.
2015માં થઈ હતી યોજનાની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ 22 જાન્યુઆરી 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY Scheme)ની શરૂઆત કરી હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, નવેમ્બર 2024 સુધીમાં આ યોજના હેઠળ 4.1 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આ એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જેને દીકરીઓને લાખપતિ બનાવવાની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
યોજનામાં 8.2%નું મોટું વ્યાજ મળી રહ્યું છે
સરકાર દ્વારા રોકાણ પર અપાતો વ્યાજ દર પણ આ યોજનાને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે સામાન્ય રીતે કોઈ બેન્કમાં FD પર અપાતા વ્યાજ દર કરતા વધારે હોય છે. આ યોજનામાં તે 8.2% વ્યાજ મળે છે. સરકાર પોતે સુરક્ષિત રોકાણની ગેરંટી આપે છે અને મોટા રિટર્ન સાથે જ તેમાં રોકાણ પર ટેક્સ મુક્તિનો લાભ પણ આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિની ખાસિયતો:
- આ યોજનામાં માત્ર 250 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે.
- સરકાર દ્વારા તેમાં 8.2%નું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
- 10 વર્ષ સુધીની ઉંમરની દીકરીનું ખાતું ખોલાવવામાં આવી શકે છે.
- આ યોજના હેઠળ 15 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે.
- આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ.
- દીકરી 18 વર્ષની થયા પછી અભ્યાસ માટે ખાતામાંથી પૈસા ઉપાડવાની સુવિધા.
- શિક્ષણ માટે સુકન્યા ખાતામાં જમા બેલેન્સમાંથી 50% ઉપાડી શકો છો.
શું છે 71 લાખ રૂપિયા મેળવવાનું કેલ્ક્યુલેશન?
હવે તમને એ જણાવીએ કે, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેવી રીતે અને કેટલું રોકાણ કરવું જેથી દીકરી 21 વર્ષની થાય ત્યારે તેના માટે 71 લાખ રૂપિયાનું ફંડ જમા થઈ શકે. તો તેની ગણતરી ખૂબ જ સરળ છે. જેમ કે, આ સરકારી યોજનામાં એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો આ નિશ્ચિત રકમ સુકન્યા ખાતામાં 15 વર્ષ સુધી સતત જમા થાય, તો મેચ્યોરિટી વખતે પુત્રી માટે 71,82,119 રૂપિયા એકત્રિત થશે. વાસ્તવમાં આમાં તમારા દ્વારા જમા કરાયેલી કુલ રકમ 22,50,000 રૂપિયા હશે, જ્યારે તેના પર મળનારી વ્યાજની રકમ 49,32,119 રૂપિયા હશે અને મેચ્યોરિટી પર મળતી આ મોટી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. જો કે, તમે તમારી ક્ષમતા પ્રમાણે ઓછું રોકાણ પણ કરી શકો છો.
આ પણ વાંચો: ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ગત વર્ષે થયો હતો આ મોટો ફેરફાર
દીકરીના ભવિષ્ય માટે લાખો રૂપિયાનું ફંડ એકત્ર કરતી આ યોજના સંબંધિત નિયમોમાં ગત વર્ષે મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફાર હેઠળ જો દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઈ એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવે છે જે તેનો કાનૂની વાલી નથી, તો તેણે આ ખાતું નેચરલ પેરેન્ટ્સ અથવા Legal Guardianને ટ્રાન્સફર કરવું પડશે, નહીં તો તે ખાતું બંધ કરી દેવામાં આવી શકે છે. પહેલી ઓક્ટોબર, 2024થી અમલમાં આવેલા આ ફેરફાર હેઠળ હવે માત્ર માતાપિતા અથવા નેચરલ પેરેન્ટ્સ જ દીકરીનું ખાતું ઓપરેટ કરી શકે છે.
- એક દીકરી માટે એક ખાતું ખોલી શકો છો.
- ખાતું ખોલવા માટે દીકરીનું બર્થ સર્ટિફિકેટ જરૂરી.
- ઓળખપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી.
- તમે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં ખાતું ખોલાવી શકો છો.