For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંકો દ્વારા કંપનીઓને ધિરાણ વૃદ્ધિની માત્રા આઠ વર્ષની ટોચે

- માગમાં વધારો થતાં કંપનીઓ દ્વારા ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમમાં ગતિ

- ખાનગી ઈન્વેસ્ટમેન્ટની નવી સાઈકલ શરૂ થયાના સંકેત

Updated: Nov 21st, 2022

Article Content Image

ઓકટોબરના છેલ્લા બે સપ્તાહમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે 17 ટકા વધારો

મુંબઈ : ભારતના બેન્કિંગ ક્ષેત્ર   દ્વારા સ્થાનિક કંપનીઓને ધિરાણ  વૃદ્ધિની માત્રા છેલ્લા આઠ વર્ષની સૌથી ઊંચી રહેતા દેશમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટની નવી સાઈકલ શરૂ થયાના સંકેત મળી રહ્યા છે. બીજી બાજુ મોટા વિકસિત  દેશો અને ચીનના અર્થતંત્રમાં વિકાસ મંદ પડયાનું જોવા મળી રહ્યું છે. 

જો કે ભારતમાં શરૂ થયેલી ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ આંતરરાષ્ટ્રીય મંદીને કારણે   મર્યાદિત રહેશે  તેવો અર્થશાસ્ત્રીઓ મત ધરાવી રહ્યા છે. 

નબળી માગ, કંપનીઓના દેવાબોજ તથા બેન્કોમાં એનપીએના ઊંચા પ્રમાણને પરિણામે છેલ્લા કેટલાક વર્ષો સુધી દેશમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ મંદ રહ્યું હતું. 

જો કે છેલ્લા બે વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડા તથા કંપનીઓ દ્વારા ભંડોળ ઊભા કરવામાં ગતિને કારણે કંપનીઓ માટે  ક્ષમતા વિસ્તરણ કરવા નાણાં ખર્ચ કરવાનું શકય બન્યું છે. માગમાં વૃદ્ધિને કારણે કંપનીઓ ક્ષમતામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

માગ વધતા ઉત્પાદન ક્ષમતા તથા વર્કિંગ કેપિટલનો જોરદાર ઉપયોગ થવા લાગ્યો છે. ક્ષમતામાં વધારાને કારણે ધિરાણ ઉપાડ પણ વધી રહ્યાનું એસબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઓકટોબરના છેલ્લા બે સપ્તાહમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકા વધારો થયો છે. નાની, મધ્યમ તથા મોટી સહિતની કંપનીઓને સપ્ટેમ્બરમાં ધિરાણમાં ૧૨.૬૦ ટકા વધારો જોવા મળ્યો છે જે ૨૦૧૪ બાદ સૌથી વધુ છે, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

ધિરાણ માટેની સૌથી વધુ માગ ઈન્ફ્રાસ્ટ્રકચર, રિઅલ એસ્ટેટ, આયર્ન અને સ્ટીલ જેવા ક્ષેત્ર તરફથી જોવા મળી રહી હોવાનું અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.  

વર્તમાન નાણાં વર્ષમાં દેશની ૧૫૦૦૦ મોટી  ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓનો મૂડી ખર્ચ રૂપિયા ૪.૫૦ ટ્રિલિયન રહેવાની એક રેટિંગ એજન્સી દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. આગામી બે નાણાં વર્ષમાં આ આંક રૂપિયા પાંચ ટ્રિલિયન રહેવા અપેક્ષા છે. 

Gujarat