અમેરિકામાં માલ વેચતા નિકાસકારોને લોન મંજુર કરવામાં બેન્કો સાવચેત
- અમેરિકામાં માલસામાન મોકલવામાં રહેલા જોખમોનો બેન્કો અંદાજ મેળવી રહી છે
મુંબઈ : દેશના નિકાસકારો તરફથી આવતી લોન અરજીને મંજુર કરવામાં બેન્કો સાવચેતી ધરાવી રહી છે. ખાસ કરીને અમેરિકા ખાતે થતી નિકાસ સંદર્ભમાં બેન્કરો નિકાસકારોને તેમના અમેરિકામાં જોખમ અને ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફ સામે કેવા પ્રકારની યોજના ધરાવે છે તેની માહિતી દેશની બેન્કો નિકાસકારો પાસેથી માગી રહી છે.
ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફની દેશના નિકાસકારો પર કેવી નાણાંકીય અસર પડે છે તેની બેન્કો જાણકારી મેળવી રહી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. દેશના ટેકસટાઈલ તથા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર નિકાસ પર ઘણો જ આધાર રાખે છે.
નિકાસ માટે નવી નાણાંકીય દરખાસ્તો અથવા આવા ફન્ડિંગના રિન્યુઅલ્સ માટે આવતા નિકાસકારોને બેન્કો નાણાંકીય ટેકો પૂરો પાડવામાં વધુ સાવચેત બની ગઈ છે. હાલમાં મોટાભાગના નિકાસ ઓર્ડરો અટકી પડયા છે ત્યારે બેન્કોના ધિરાણ વેપાર પર પણ આવનારા દિવસોમાં અસર જોવા મળવાની સંભાવના છે.
ટેરિફ વોરને કારણે વેપારગૃહોની બેલેન્સ શીટ ફરી તાણ હેઠળ આવી જવાની અને અગાઉ પૂરી પડાયેલી લોન ખાસ કરીને માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) જે નિકાસ પર વધુ આધારિત છે, તેમની પાસેથી લોનના નાણાં વસૂલવાનું કઠીન બની રહેશે એવી બેન્કોને ચિંતા સતાવી રહી છે.
આવી સ્થિતિમાં બેડ લોન્સની માત્રા જે હાલમાં નોંધપાત્ર નીચી છે તેમાં ફરી વધારો થવાનું પણ જોખમ રહેલું છે.
રશિયાના પ્રમુખ પુતિન સાથેની બેઠક બાદ અમેરિકા ટેરિફ દરમાં આંશિક ઘટાડો કરશે તેવી નિકાસકારોને અપેક્ષા છે. જો કે ટ્રમ્પે ટેરિફ લાગુ કરવાની કરેલી જાહેરાત બાદ દેશના નિકાસકારો પોતાની નિકાસ સ્ટ્રેટેજીમાં ફેરબદલ કરી રહ્યા છે એટલું જ નહીં નિકાસ માટે નવી બજારો પણ શોધી રહ્યા છે. જે દેશો પર ટ્રમ્પે નીચા ટેરિફ લાગુ કર્યા છે તે દેશોમાં ઉત્પાદન એકમો ઊભા કરવા અથવા તે દેશો મારફત માલની નિકાસ કરવા નિકાસકારો યોજના બનાવી રહ્યા હોવાનું પણ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.