મુંબઈ : ૩૦ સપ્ટેમ્બર અથવા નવો આદેશ જારી ન થાય ત્યાંસુધી કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરઆંગણે ખાંડનો પૂરવઠો જાળવી રાખવા ભાવને નીચા રાખવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.
ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે, સરકારે ખાંડની નિકાસને મર્યાદિતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે.
આદેશ પ્રમાણે દેશમાંથી કાચી, વ્હાઈટ તથા રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ આદેશ ૩૦ સપ્ટેમ્બર અથવા નવી સૂચના જારી ન થાય ત્યાંસુધી અમલી રહેશે.
ખાંડનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતા છે ત્યારે તેના ભાવમાં વધારો ન થાય તેની સરકાર ખાતરી રાખવા માગે છે.
અમેરિકા તથા યુરોપને ટીઆરક્યુ અને સીએકસએલ કવોટા હેઠળ મંજુર કરાયેલ ખાંડની નિકાસને નવો આદેશ લાગુ નહીં થાય તેમ સરકારે સ્પષ્ટતા કરી છે.
એડવાન્સ ઓથોરાઈેઝેશન સ્કીમ તથા સરકાર દ્વારા સરકારને અન્ન સલામતિ માટે કરાતી નિકાસને પણ આદેશમાંથી મુક્તિ અપાઈ છે.
૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકારે અગાઉ ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ છૂટ આપી હતી.
વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી. ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો પરંતુ મિલો તરફથી મંદ માગને કારણે છેવટે વધારાની પાંચ લાખમાંથી ૮૭૫૮૭ ટન વધુ ખાંડને નિકાસ માટે છૂટ અપાઈ હતી.
વર્તમાન મોસમમાં અત્યારસુધીમાં ૬.૫૦ લાખ ટન ખાંડ નિકાસ થઈ ગયાનું સ્થાનિક સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. આ ઉપરાંત બીજી ૪૦,૦૦૦-૬૦,૦૦૦ ટન ખાંડ નિકાસની પ્રક્રિયામાં હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન મોસમમાં દેશમાં ખાંડ ઉત્પાદન અંદાજ ૨.૮૨ કરોડ ટનનો મુકાયો છે. દરમિયાન ભારત દ્વારા નિકાસ પ્રતિબંધને કારણે વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઊંચે જવાની શકયતા જોવાઈ રહી છે.


