બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે
- વેપારમાં રૂ.૧૨૦૦ કરોડ સુધીનો વધારો થવાની અપેક્ષા
મુંબઈ : જમીન માર્ગે બાંગલાદેશ ખાતેથી ગારમેન્ટસની નિકાસ પર ભારતે મૂકેલા પ્રતિબંધથી ઘરઆંગણેના રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોને રૂપિયા ૧૦૦૦ કરોડથી રૂપિયા ૧૨૦૦ કરોડની તક ઊભી થવા ધારણાં મૂકવામાં આવી છે.
આ પ્રતિબંધને કારણે ઘરઆંગણે ઉત્પાદનમાં વધારો થશે પરંતુ સાથોસાથ આગામી શિયાળામાં જાણીતા એપરલની કિંમતમાં અઢીથી ત્રણ ટકા વધારો થવાની શકયતા નકારાતી નથી.
ભારત દ્વારા શનિવારથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે દક્ષિણ એશિયાના ટેકસટાઈલ વેપારને નવો આકાર મળી શકે છે.
બાંગલાદેશ ખાતેથી ડયૂટી ફ્રી ટેકસટાઈલની નિકાસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્ણય આવી પડયો છે. દક્ષિણ એશિયા વેપાર કરાર હેઠળ બંગલાદેશ ડયૂટી ફ્રી સવલતનો લાભ મેળવી શકે છે.
સરકારના આ પગલાંથી રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રમાં ભારતની સ્વાવલંબનતા વધુ મજબૂત બનશે અને બાંગલાદેશ મારફત ભારતમાં ઘુસાડાતા ચીનના ફેબ્રિકસની દેશમાં આયાત ઘટશે. ચીનથી સીધા આવતા ફેબ્રિકસ પર ભારતમાં વીસ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે.
વર્તમાન વર્ષના એપ્રિલમાં બાંગલાદેશે ભારત ખાતેથી કોટન યાર્નની નિકાસ પર અંકૂશ મૂકી દીધા હતા. ભારતની કોટન યાર્નની નિકાસમાંથી ૪૫ ટકા યાર્ન બાંગલાદેશ જતુ હતું. બાંગલાદેશના આ પગલાંની સામે જ ભારતનું વળતું પગલું આવી પડયું હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું હતું. આનાથી ભારતના રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોને રૂપિયા ૧૦૦૦ કરોડથી રૂપિયા ૧૨૦૦ કરોડની તક ઊભી થવા ધારણાં છે.
ભારતની એપરલ આયાતમાં ૩૫ ટકા આયાત બાંગલાદેશ ખાતેથી થાય છે. એપરલના કુલ વપરાશમાં ૧-૨ ટકા જેટલો જ હિસ્સો આયાતી એપરલનો રહે છે.
બાંગલાદેશ ખાતેથી માત્ર જમીન માર્ગે ગારમેન્ટ આયાત પર પ્રતિબંધ મુકાયા છે. ન્હાવાશેવા તથા કોલકત્તા બંદરો ખાતેથી આયાતને છૂટ આપવામાં આવી છે.