ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ
- જીએસટીના નવા દરની જાહેરાત પહેલા વાહન ખરીદી મોકૂફ
મુંબઈ : ઓનમ તથા ગણેશ ચતુર્થી જેવા તહેવારો છતાં સમાપ્ત થયેલા ઓગસ્ટમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૨.૮૪ ટકા મંદ વૃદ્ધિ જોવા મળી હતી. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)માં ઘટાડાને ધ્યાનમાં રાખી ઓગસ્ટમાં ગ્રાહકોએ વાહનોની ખરીદી મોકૂફ રાખી હતી. જીએસટીમાં ઘટાડો સપ્ટેમ્બરમાં જાહેર કરાયો છે અને તેનો અમલ ૨૨ સપ્ટેમ્બરના નવરાત્રીથી થવાનો છે, ત્યારે દશેરા-દિવાળીના તહેવારોમાં વાહનોનું વેચાણ વધવા અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જો કે ગયા મહિને ડીલરો ખાતે ગ્રાહકોની પૂછપરછ મજબૂત રહી હતી, પરંતુ તે ખરીદીમાં પરિણમી નહોતી એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. ઓગસ્ટમાં ૩૦૧.૪ ટકા સાથે ટ્રેકટર્સના વેચાણમાં જોરદાર વધાયો થયો છે તે સિવાયના ઓટો સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ એક અંકી રહી છે. ટુ વ્હીલર્સનું વેચાણ ૨.૧૮ ટકા જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૦.૯૩ ટકા ઊંચુ રહ્યું છે. કમર્સિઅલ વાહનોનું વેચાણ ૮.૫૫ ટકા વધ્યું હતું.
બીજી બાજુ થ્રી વ્હીલર્સ તથા કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટના વેચાણમાં અનુક્રમે ૨.૨૬ ટકા અને ૨૬.૪૫ ટકા ઘટાડો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.
ગયા વર્ષના ઓગસ્ટમાં ૧૯.૧૦ લાખની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં એકંદર ઓટો વેચાણ આંક ૧૯.૬૦ લાખ રહ્યો છે. ઓનમ તથા ગણેશ ચતુર્થીના તહેવારોને કારણે કેરળ તથા મહારાષ્ટ્રમાં વિવિધ ઓટો સેગમેન્ટના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વેચાણમાં ૧.૩૪ ટકા વધારો થયો છે.
ગયા મહિને દેશના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદ તથા પૂરની સ્થિતિએ પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આવનજાવન પર અસર કરી હતી. આને કારણે પણ વેચાણ મંદ જોવા મળ્યું છે. આમછતાં આગામી દશેરા - દિવાળીના તહેવારોમાં વેચાણ વૃદ્ધિ મજબૂત રહેવા ડીલરોને અપેક્ષા છે.