મ્યુ. ફન્ડ ઉદ્યોગની AUM રૂ. 50.77લાખ કરોડને પાર
- રોકાણકારોની સંખ્યા વધવા સાથે છ વર્ષમાં એસેટ અન્ડર મેનેજમેન્ટમાં ૧૩૫ ટકાનો તોતિંગ વધારો
- ઈક્વિટી શ્રેણીમાં કુલ ઈન્ફલોઝ ૯.૪૦ ટકા ઊંચો
મુંબઈ : દેશના મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ડિસેમ્બર ૨૦૨૩માં રૂપિયા ૫૦ લાખ કરોડના આંકને વટાવી ગઈ છે. નવેમ્બરમાં રૂપિયા ૪૯.૦૪ લાખ કરોડની સરખામણી ડિસેમ્બરમાં એયુએમ ૩.૫૩ ટકા વધી રૂપિયા ૫૦.૭૭ લાખ કરોડ પહોંચી ગઈ હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા જણાવે છે.
છેલ્લા એક વર્ષમાં એયુએમમાં ૨૭ ટકા એટલે કે રૂપિયા ૧.૦૯ લાખ કરોડનો વધારો થયો છે. ઈક્વિટી બજારમાં આશાવાદ, વ્યાજ દરમાં સ્થિરતા તથા મજબૂત આર્થિક વિકાસ દરને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણકારોનો રસ વધી ગયો છે.
મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ઈક્વિટી શ્રેણીમાં કુલ ઈન્ફલોઝ ૯.૪૦ ટકા ઊંચો રહ્યો હતો. ઈક્વિટી સ્કીમમાં કુલ રૂપિયા ૧૬૯૯૭.૦૯ કરોડનો ઈન્ફલોઝ રહ્યો હતો જે નવેમ્બરમાં રૂપિયા ૧૫૫૩૬.૪૨ કરોડ રહ્યો હતો.
ઈક્વિટી શ્રેણીમાં લાર્જ કેપ, કેન્દ્રીત ફન્ડસ તથા ઈએલએસએસ સિવાયની અન્ય શ્રેણીમાં ઈન્ફલોઝ જોવા મળ્યો છે.
સેકટરલ ફન્ડસમાં પણ રોકાણકારોનું આકર્ષણ જોવા મળ્યું હતું. ડિસેમ્બરમાં આ શ્રેણીમાં રૂપિયા ૬૦૦૫ કરોડનો ઈન્ફલોઝ રહ્યો છે. જે ઈક્વિટીઝ સ્કીમમાં સૌથી મોટો ઈન્ફલોઝ છે. સ્મોલ કેપ ફન્ડમાં રૂપિયા ૩૮૫૭.૫૦ કરોડનો ઈન્ફલોઝ જોવા મળ્યો છે.
રોકાણકારોની સંખ્યામાં વધારો થવા સાથે ૨૦૧૭ના અંતે એયુએમનો આંક જે રૂપિયા ૨૧.૨૬ ટ્રિલિયન રહ્યો હતો તે ૨૦૨૩ના અંતે ૧૩૫ ટકા વધી રૂપિયા ૫૦ ટ્રિલિયનને આંબી ગયો છે. આજ ગાળામાં સેન્સેકસ ૩૪૦૫૭ની સપાટીએથી ૧૦૦ ટકા જેટલો વધી ૭૨,૦૦૦ની સપાટીની આસપાસ આવી ગયો છે.
મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત રોકાણ કરનારાની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. ૨૦૧૭ના અંતથી ૨૦૨૩ના અંત સુધીમાં મ્યુચ્યુઅલ ફન્ડસ ફોલિઓની સંખ્યા ૧૫૦ ટકા જેટલી વધી ૧૫.૭૦ કરોડ પહોંચી ગયાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું.
મૂડી બજારમાં સીધું રોકાણ કરવાનું જોખમ લેવા નહીં માગતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત રોકાણ કરવાનો માર્ગ પસંદ કરે છે. ફન્ડ હાઉસો મારફત રોકાણકારો વિવિધ પ્રકારના રોકાણ સાધનોમાં રોકાણનો વિકલ્પ ધરાવે છે. મ્યુચ્યુઅલ ફન્ડસ ક્ષેત્રે રોકાણ કારોમાં સિપવિકલ્પ ખૂબજ લોકપ્રિય રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સિપ એકાઉન્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.