Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો

By GS TEAM
5 Feb 20262 mins read
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો

- એઆઈને કારણે શેરબજારો લાલઘૂમ 

- વિશ્વભરની સોફ્ટવેર કંપનીઓના શેર્સનું મૂલ્ય 285 અબજ ડોલર ઘટયું, ભારતમાં રૂ.2 લાખ કરોડ ઘટયું

બેંગલુરુ : અમેરિકાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિકે નવી એઆઈ ટૂલ લોન્ચ કરી છે. આ ટૂલને કારણે વિશ્વભરની ટેકનોલોજી અને સોફ્ટવેર કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ટૂલને કારણે ભારતીય આઈટી કંપનીઓના શેર્સમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બુધવારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જે છેલ્લા ઘણા સમયનો સૌથી મોટો ઘટાડો હતો. 

એક સમયે વાત થઈ રહી હતી કે, એઆઈનેકારણે અનેક જૂનો સિસ્ટમો ભૂતકાળ બની જશે. હવે, એઆઈની અસરો જોવા મળી રહી છે. એન્ટ્રોપિક દ્વારા નવી એઆઈ ટૂલના લોન્ચિંગ બાદ ભારતની ટોપ આઈટી કંપનીઓ જેવી કે,  ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઈન્ડટ્રી, ટાટા કન્સલટન્સી સર્વિસિઝમાં ૮ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.  ભારતીય આઈટી કંપનીઓની માર્કેટ વેલ્યુમાંથી રૂ. ૨ લાખ કરોડ જેટલું મૂલ્ય ઘટી ગયું છે. ઉલ્લેખનીય છે કે, એન્થ્રોપિકે જાન્યુઆરી ૩૦ના રોજ તેમનું ક્લોડ કોવર્ક લોન્ચ કર્યું હતું. કોવર્ક દ્વારા તેમણે નવા ૧૧ પ્લગઈન્સ ઉમેરીને એઆઈની ક્ષમતામાં વધારો કર્યો છે. નવા ટૂલ્સ લીગલ, સેલ્સ, માર્કેટિંગ અને ડેટા એનાલિસીસ જેવા કામ આસાનીથી કરી શકે છે. જેમાં, કરારોની સમીક્ષા, લીગલ બ્રીફિંગ, ફાઈનાન્શિયલ મોડલ્સનો સમાવેશ થાય છે.  રોકાણકારોને ચિંતા છે કે, આ પ્રકારના એઆઈ ટૂલ્સ સામાન્ય સોફ્ટવેર અને આઈટી સર્વિસની જગ્યા લઈ શકે છે. 

અમેરિકાના સોફ્ટવેર શેરોમાં 6 ટકાનો કડાકો

એન્થ્રોપિકના કારણે વિશ્વભરના સોફ્ટવેર શેરોનું મૂલ્ય ૨૮૫ અબજ ડોલર જેટલું ઘટયું હતું.અમેરિકામાં થોમસન રોઈટર્સ અને  લીગલઝૂમના શેર ૧૨ ટકાથી વધુ ઘટયા હતા. આ સિવાય પેપાલ, એક્સપેડિયા ગુ્રપ, ઈક્વિફેક્સ, ઈન્ટયુટમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એનવીડિયા, માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. 

યુકેના પબ્લિશિંગ ગુ્રપ પિયરસનના શેર્સમાં ૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ડચ સોફ્ટવેર કંપની વોલ્ટર્સ ક્લુવરમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.