17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ
ED Interrogate Anil Ambani: આજે ઈડીએ રૂ. 17,000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ એજન્સીએ 1 ઓગસ્ટના રોજ સમન્સ જાહેર કરી આજે પોતાની નવી દિલ્હી ઓફિસમાં અનિલ અંબાણીને હાજર થવા આદેશ આપ્યો હતો.
ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારીના નેતૃત્વ હેઠળ પૂછપરછ તપાસ હાથ ધરાઈ છે. ડેપ્યુટી ડિરેક્ટર અને જોઈન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ પૂછપરછ થઈ રહી છે. ઈડીએ થોડા દિવસ પહેલાં જ અનિલ અંબાણી ગ્રૂપની 50 કંપનીઓ સાથે જોડાયેલા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. જ્યાંથી મહત્ત્વના દસ્તાવેજ, કોમ્પ્યુટર હાર્ડડ્રાઈવ સહિત અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતાં.
ડઝનેક બેન્કો પણ લખ્યો પત્ર
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ મામલે 12થી 13 બેન્કોને રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને આપવામાં આવેલી લોન સંબંધિત વિગતો અને પ્રક્રિયા દર્શાવતો પત્ર લખ્યો છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈડીએ 12થી 13 બેન્કો પાસે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને ફાળવવામાં આવેલી લોનની વિગતો માગી છે. ઈડીએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, યુકો બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સહિતની બેન્કોને પત્ર લખ્યો હતો. આગામી સમયમાં સમન્સ પણ પાઠવી શકે છે.
17000 કરોડનો લોન ફ્રોડ કેસ
ઈડીની પ્રારંભિક તપાસમાં યસ બેન્કમાંથી રૂ. 3000 કરોડની ગેરકાયદે લોન ટ્રાન્સફરની જાણ થઈ હતી. ત્યારબાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે જોડાયેલી રૂ. 14,000 કરોડની લોન ફ્રોડ વિશે પણ જાણકારી મળી હતી. 24 જુલાઈના ઈડીએ દિલ્હી અને મુંબઈમાં લગભગ ત્રણ દિવસ સુધી 35 સ્થળો પર દરોડા પાડ્યા હતાં.
RAAGAના શેર્સ ધડામ
નાદારી નોંધાવી ચૂકેલા અનિલ અંબાણી પર સંકટના વાદળો ઘેરા બનતાં RAAGAના શેર્સ ધડામ થયા હતાં. રિલાયન્સ ઈન્ફ્રાથી માંડી રિલાયન્સ પાવરના શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. છેલ્લા પાંચ દિવસમાં રિલાયન્સ પાવરનો શેર 11 ટકા અને રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 10 ટકા તૂટ્યો છે.